(ANI Photo)

દુબઈથી પાછા આવેલા ક્રિકેટર હાર્દિક પંડ્યાની મુંબઈ એરપોર્ટ પર મંગળવારે પાંચ કરોડની બે ઘડિયાળ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરી હોવાના અહેવાલની સ્પષ્ટતા કરતાં આ ક્રિકેટરે મંગળવારે જણાવ્યું હતું કે રૂ.1.5 કરોડની માત્ર એક ઘડિયાળ યોગ્ય વેલ્યૂએશન માટે લેવામાં આવી હતી.

આ અહેવાલનું ખંડન કરતાં પંડ્યાએ ટ્વીટર પર જણાવ્યું હતું કે તેની પાસે જે ઘડિયાળ અને અન્ય સામગ્રી હતી તેની જાણકારી તેણે પોતે કસ્ટમ વિભાગને આપી હતી. તેણે કસ્ટમ વિભાગને સામેથી કહ્યુ હતું કે આ સામાનની જે કસ્ટમ ડ્યુટી ભરવાની હશે તે ભરવા તૈયાર છે. આટલુ જ નહીં, હાર્દિક પંડ્યાએ ઘડિયાળની કિંમતનો પણ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, આ ઘડિયાળની કિંમત પાંચ કરોડ રુપિયા નહીં પણ દોઢ કરોડ છે.

અગાઉ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાર્દિક પંડ્યાની આ બે ઘડિયાળની કિંમત લગભગ પાંચ કરોડ રુપિયા છે અને હાર્દિક પંડ્યા પાસે આ ઘડિયાળના ઈનવોઈસ ન હતા અને તેણે કસ્ટમ વિભાગને તેની જાણકારી નહોતી આપી. જો કે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડરે ટ્વિટ કરીને સમગ્ર વાતનો ખુલાસો આપ્યો છે. હાર્દિકે કહ્યું કે આ બધી વાતો પાયાવિહોણી છે.