નોર્થ વેસ્ટ લંડનના હેરો સ્થિત આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ખાતે પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીના નેતૃત્વમાં ૧૦૮ હનુમાન ચાલીસાના જાપનું આયોજન તા. 2 ઓગસ્ટ 2025ના રોજ સવારે 10થી સાંજે 6 સુધી લાગલગાટ કરવામાં આવ્યું હતું.
ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા અને શાંતિ અને શક્તિ માટે દૈવી ઉર્જાનું વહન કરવાના આશય સાથે ભક્તો પવિત્ર પાઠમાં ડૂબી ગયા હતા. પૂજ્ય ગુરુજીએ દૈનિક જીવનમાં આવી પ્રથાઓના મહત્વ વિશે વાત કરી, હનુમાન ચાલીસાને આત્મા અને દિવ્યતા વચ્ચેનો સેતુ ગણાવી હતી.
અયોધ્યા ધામના સ્વામી મહેન્દ્રદાસજી મહારાજ દ્વારા “ઘર ઘર રામ, હર ઘર રામાયણ” વિષય પર ખાસ સત્સંગ કરવામાં આવ્યો હતો. જેમાં જામનગરના સંત જેન્તીરામ બાપા પણ જોડાયા હતા. સ્વામીજીએ ગુરુજીને વિદેશમાં સનાતન ધર્મના માર્ગદર્શક પ્રકાશ તરીકે વખાણ્યા હતા.
કાઉન્સિલર કૃષ્ણા સુરેશ, કાઉન્સિલર શશી સુરેશ અને કાઉન્સિલર પરવીન રાની ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો અંત આરતી અને પવિત્ર તુલસી માળાના વિતરણ સાથે થયો હતો.
