REUTERS/Shailesh Andrade/File Photo

ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની એચડીએફસી લિમિટેડનું દેશની સૌથી મોટી ખાનગી બેન્ક એચડીએફસી બેન્કમાં મર્જર થશે. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી મોટુ મર્જર છે અને તેનાથી વૈશ્વિક કક્ષાની એક બેન્કનું સર્જન થશે. મર્જરની પ્રક્રિયા 2022-24ના નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં પૂરી થવાની ધારણા છે.
ફાઇનાન્શિયલ ક્ષેત્રની બંને કંપનીઓએ શેરબજારને આપેલી નિયમનકારી માહિતી મુજબ આ ડીલની પ્રક્રિયા પૂરી થયા બાદ એચડીએફસી બેન્કમાં 100 ટકા હિસ્સો પબ્લિક શેરહોલ્ડર્સ પાસે હશે. આ ડીલમાં એચડીએફસી લિમિટેડના શેરહોલ્ડર્સને તેમની પાસેના પ્રત્યેક 25 શેર માટે એચડીએફસી બેન્કના 42 શેર મળશે. હાલમાં એચડીએફસી બેન્કમાં એચડીએફસી લિમિટેડ આશરે 21 ટકા હિસ્સો ધરાવે છે.

એચડીએફસી લિમિટેડના ચેરમેન દીપક પારેખે જણાવ્યું હતું કે ” અમે માનીએ છીએ કે RERAના અમલ, હાઉસિંગ ક્ષેત્રને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો અને એફોર્ડેબલ હાઉસિંગ માટેના સરકરાના પગલાંને કારણે હાઉસિંગ ફાઇનાન્સિંગ બિઝનેસમાં કૂદકેને ભૂસકે વધારો થશે.” આ મર્જર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને બીજી નિયમનકારી ઓથોરિટીની મંજૂરીને આધીન છે.

હાલમાં એચડીએફસીની કુલ એસેટ રૂ.6.23 લાખ કરોડ છે, જ્યારે એચડીએફસી બેન્કની એેસેટ રૂ.19.38 લાખ કરોડ છે. એચડીએફસી બેન્કના ગ્રાહકોની સંખ્યા 6.8 કરોડ છે. એચડીએફસી લિમિટેડ નીચી અને મધ્યમ આવક ધરાવતા જૂથોને હોમ લોન પૂરી પાડે છે. એચડીએફસી બેન્ક ભારતમાં 6,342 બ્રાન્ચ સાથે આશરે 3,000 શહેરોમાં બેન્કિંગ સર્વિસ ઓફર કરે છે.