Getty Images)

અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ મજબૂત થવા સાથે મુંબઈ ભયાનક વરસાદ વચ્ચે પાણી-પાણી થઇ ગયું છે. મોડીરાતથી સાંબેલાધાર-અનરાધાર વરસાદમાં સવાર સુધીમાં 11 ઇંચ પાણી વરસી ગયું હતું. ટ્રેન-બસ સેવા ઠપ્પ થઇ જવા સાથે જનજીવન સ્થગિત થઇ ગયું છે. મહાનગર માટે બે દિવસ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ વેધશાળાના સૂત્રોએ કહ્યું કે મોડીરાતથી અનરાધાર વરસાદ શરુ થયો હતો. સવાર સુધીમાં કોલાબા ક્ષેત્રમાં 10 ઇંચ તથા શાંતાક્રૂઝ ક્ષેત્રમાં 11 ઇંચ પાણી વરસી ગયું હતું. ગુરુવાર સુધી ભારે વરસાદનો દોર જારી રહેવાની સંભાવના છે. આજે મંગળવાર તથા કાલે બુધવાર માટે રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે.

બપોરે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની ચેતવણી જારી કરવામાં આવી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા જરુરી કામ વિના મંગળવાર તથા બુદવારે લોકોને ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપી છે. ગુરુવારથી વરસાદનું જોર ઘટવા લાગવાનો નિર્દેશ કરાયો છે. મહાનગરમાં દસ કલાકમાં ધોધમાર 10 ઇંચ પાણી વરસી ગયું હતું. જેને પગલે લગભગ તમામ પરા વિસ્તારો જળબંબાબાકાર બની ગયા હતા. હિન્દમાતા, અંધેરી, દાદર, ઘાટકોપર, સાયન સહિતનાં વિસ્તારો પાણી-પાણી થયા હતા.

અતિ ભારે વરસાદને કારણે બસ-રેલ સહિતની સેવાઓને પણ અસર થઇ હતી. રેલવેની પશ્ર્ચિમી લાઈન પરની સેવા સંપૂર્ણ ખોરવાઈ ગઇ હતી. ઉપરાંત કુર્લા તથા સીએસટી વચ્ચેની હાર્બર લાઈન પણ બંધ હતી. સેન્ટ્રલ લાઈન પર ધીમી ગતિએ સેવા ચાલુ હતી. માર્ગો પણ જળબંબાકાર બન્યા હોવાના કારણે બસ સેવા પણ ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી. વરસાદથી ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત વિભાગોને સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. રેલવે-બસ ઉપરાંત વિમાની સેવાને પણ અસર થઇ હતી.

એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ-બાય રાખવામાં આવી છે. હવામાન વિભાગનાં ડેપ્યુટી ડાયરેક્ટર રોસલીકરે કહ્યું કે બંગાળની ખાડીના લો પ્રેસરને કારણે બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. મુંબઈગરાઓ 26 જુલાઈ 2005ના એ દિવસને ક્યારેય ભૂલી શકે તેમ નથી જ્યારે ભયાનક વરસાદમાં મહાનગર જળમગ્ન બની ગયું હતું. કેટલાંક લોકોએ એમ કહ્યું કે ગઇરાતના વરસાદે ફરી વખત 2005નો એ દિવસ યાદ કરાવી દીધો હતો. ભયાનક વરસાદમાં મુંબઈગરાઓ બેબાકળા બન્યા હતાં.

ટવીટર પર ભારે વરસાદ તથા જળબંબાકારની તસ્વીરો-વીડિયો શેર કર્યા હતાં. 26 જુલાઈ 2005 પછી આવો વરસાદ નહીં જોયો હોવાનો કેટલાંકે દાવો કર્યો હતો. 2005માં આવા વરસાદમાં પૂર પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેમાં 1000થી વધુ લોકોનો ભોગ લેવાયો હતો. મુંબઈ કોર્પોરેશન દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી છે અને બે દિવસ લોકોને સાવચેત રહેવા તથા ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ફાયર બ્રિગેડ, પંપીંગ સ્ટેશન તથા ઓપરેટીંગ સ્ટાફને સ્ટેન્ડ-ટુ રહેવા કહેવાયું છે. એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે.