
ભારે વરસાદને પગલે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં જળતાંડવ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. 1988 પછીના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહેલા પંજાબમાં ગુરુવારે પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. રાજ્યના તમામ ૨૩ જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવી ગયાં હતાં અને અત્યાર સુધીમાં રાજ્યમાં 37 લોકોએ જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ ઉત્તરીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે યમુના અને જેલમ નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી હોવાથી ગુરુવારે દિલ્હી અને કાશ્મીરના કેટલાંક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતાં.
પંજાબમાં પૂરથી આશરે 3.5 લાખ લોકો પ્રભાવિત થયા છે. પંજાબમાં ખેતરો અને ગામડાઓ તળાવો બની ગયા છે. કેટલીક જગ્યાએ તો 10 ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેના કારણે પૂરગ્રસ્ત ગામડાઓ સુધી પહોંચવા માટે હોડીઓ પર આધાર રાખવાની ફરજ પડી રહી છે. રાજય્માં 7 સપ્ટેમ્બર સુધી સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓ અને મોસમી નદીઓમાં પૂર આવતાં પંજાબમાં ભારે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત ગામો ગુરદાસપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, કપૂરથલા, તરનતારન, ફિરોઝપુર, હોશિયારપુર અને અમૃતસર જિલ્લાઓમાં છે.
આ વર્ષે ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદને કારણે વિનાશ વેરાયો છે. ઓગસ્ટમાં ઓછામાં ઓછા 130 લોકોના મોત થયા હતાં. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખના હિમાલય વિસ્તાર અને હિમાચલપ્રદેશના પહાડી વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે ઘણી નદીઓ ગાંડીતૂર બની છે.
રાજધાની દિલ્હીમાં, યમુના નદી મંગળવારે ભયજનક સપાટી વટાવી ગઈ હતી, જેને કેન્દ્રીય જળ આયોગે ‘ગંભીર’ પરિસ્થિતિ ગણાવી હતી.ગુરુવારે, નીચાણવાળા વિસ્તારોમાં ઘણા ઘરોમાં કાદવવાળું પાણી ઘૂસી ગયું હતું, જેમાંથી સાવચેતી તરીકે હજારો લોકોને પહેલાથી જ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. યમુના નદી પર ઐતિહાસિક લોહા પુલ અથવા આયર્ન બ્રિજ અધિકારીઓએ બંધ કરી દીધો હતો. ઐતિહાસિક લાલ કિલ્લાની આસપાસના વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યાં હતાં.
ભારતમાં સૌથી વધુ અનાજ પકડવતા પંજાબમાં વરસાદથી હજારો હેક્ટરમાં પાકનો નાશ થયો છે.પૂરના કારણે અધિકારીઓને ડેમોમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી. તેનાથી ભારતની સાથે પાકિસ્તાનમાં પણ પૂરની સ્થિતિ વધુ વિકટ બની હતી.
