FILE PHOTO: January 16, 2012. REUTERS/David Gray/File Photo

અમેરિકાના રાજદ્વારી પાવરહાઉસ અને વિવાદાસ્પદ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે બુધવારે અવસાન થયું હતું. બે પ્રેસિડન્ટ હેઠળની તેમની સેવાએ અમેરિકાની વિદેશ નીતિ પર અમીટ છાપ છોડી હતી.

કિસિંજર તેમના શતાબ્દી વર્ષમાં પણ સક્રિય રહ્યાં હતાં. વ્હાઇટ હાઉસમાં મીટિંગ્સમાં હાજરી આપતા હતા, નેતૃત્વ શૈલીઓ પર એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું અને ઉત્તર કોરિયા દ્વારા પેદા થયેલા પરમાણુ જોખમ વિશે સેનેટ સમિતિ સમક્ષ જુબાની આપી હતી. જુલાઈ 2023માં તેમણે ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને મળવા માટે બેઈજિંગની ઓચિંતી મુલાકાત લીધી હતી.

હેઇન્ઝ આલ્ફ્રેડ કિસિન્જરનો જન્મ 27 મે, 1923ના રોજ જર્મનીના ફર્થમાં થયો હતો અને યુરોપીયન યહૂદીઓને ખતમ કરવાના નાઝી અભિયાન પહેલા 1938માં તેઓ તેમના પરિવાર સાથે અમેરિકા આવી ગયા હતાં. હેનરી એવું અંગ્રેજી નામ રાખીને કિસિંજર 1943માં અમેરિકાના નાગરિક બન્યાં હતાં. બીજા વિશ્વયુદ્ધમાં યુરોપની આર્મીમાં સેવા આપી હતી અને શિષ્યવૃત્તિ મેળવીને હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. 1952માં માસ્ટર ડિગ્રી અને 1954માં ડોક્ટરેટની પદવી હાંસલ કરી હતી. તેઓ પછીના 17 વર્ષ સુધીમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ફેકલ્ટી હતા.

કિસિંજરે સરકારી એજન્સીઓના સલાહકાર તરીકે સેવા આપી હતી, જેમાં 1967માં તેમણે વિયેતનામમાં વિદેશ વિભાગ માટે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું. તેમણે નિક્સન કેમ્પને શાંતિ વાટાઘાટો વિશેની માહિતી પહોંચાડવા માટે પ્રેસિડન્ટ લિન્ડન જોન્સનના વહીવટ સાથેના તેમના જોડાણોનો ઉપયોગ કર્યો હતો. આની સાથે એક મોટા રાજદ્વારીના જીવનનો પ્રારંભ થયો હતો.

1973માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકેની તેમની ભૂમિકા ઉપરાંત, કિસિંજરને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરાયા હતા અને વિદેશી બાબતોમાં પડકાર વિનાની સત્તા આપી હતી.

1970ના દાયકામાં, રિપબ્લિકન પ્રમુખ રિચાર્ડ નિક્સન હેઠળ વિદેશ પ્રધાન તરીકે તેમણે અનેક યુગ-બદલતી વૈશ્વિક ઘટનાઓમાં પ્રભાવશાળી ભૂમિકા ભજવી હતી. જર્મનમાં જન્મેલા આ યહૂદી શરણાર્થીના પ્રયત્નોને કારણે ચીન સાથેના અમેરિકાના રાજદ્વારી શરૂઆત થઈ હતી. તેમણે સીમાચિહ્નરૂપ યુએસ-સોવિયેત શસ્ત્ર નિયંત્રણ વાટાઘાટો, ઈઝરાયેલ અને તેના આરબ પડોશીઓ વચ્ચેના સંબંધો અને ઉત્તર વિયેતનામ સાથે પેરિસ શાંતિ સમજૂતીમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

1974માં નિક્સનના રાજીનામા સાથે યુ.એસ.ની વિદેશ નીતિના મુખ્ય આર્કિટેક્ટ તરીકે કિસિંજરનો પ્રભાવ પણ  ક્ષીણ થયો હતો. આમ છતાં તેઓ પ્રમુખ ગેરાલ્ડ ફોર્ડ હેઠળ રાજદ્વારી તાકાત બની રહ્યાં હતા અને તેમના બાકીના જીવન દરમિયાન દ્રઢ અભિપ્રાય આપવાનું ચાલુ રાખ્યું હતું.

ઘણા લોકોએ કિસિંજરને તેની તેજસ્વીતા અને વ્યાપક અનુભવ માટે બિરદાવ્યા હતા, જ્યારે અન્ય લોકોએ તેમને ખાસ કરીને લેટિન અમેરિકામાં સામ્યવાદ વિરોધી સરમુખત્યારશાહીના સમર્થન માટે વોર ક્રિમિનલ (યુદ્ધ ગુનેગાર) તરીકે ઓળખાવ્યાં હતાં.

1973માં ઉત્તર વિયેતનામના લે ડ્યુક થોની સાથે તેમને સંયુક્ત રીતે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી વિવાદાસ્પદ શાંતિ પુરસ્કાર હતો. નોબેલ સમિતિના બે સભ્યોએ કેસિન્જરની પસંદગીના વિરોધમાં રાજીનામું આપ્યું હતું અને કંબોડિયા પર યુએસના ગુપ્ત બોમ્બ ધડાકા અંગે સવાલો ઉઠાવ્યાં હતા. ઘણા લોકો તેમને સુપર સેક્રેટરી ઓફ સ્ટેટ પણ કહેતા હતાં.

કઠોર અભિવ્યક્તિ અને  જર્મન-ઉચ્ચારવાળા અવાજ સાથે, કિસિંજર ભાગ્યે જ કોઈ રોકસ્ટાર હતાં પરંતુ લેડીઝ મેન તરીકેની છબી ધરાવતાં હતાં. તેમના અવિવાહિત સમયમાં વોશિંગ્ટન અને ન્યૂ યોર્કમાં તેમની આસપાસ હંમેશા રૂપસુંદરીઓ જોવા મળતી હતી. તેમણે એકવાર કહ્યું હતું કે, પાવર એજ અંતિમ કામોત્તેજક છે. તેમણે એક વખત એક પત્રકારને કહ્યું હતું કે તે પોતાને એક કાઉબોય હીરો તરીકે જોતા હતાં.

સોવિયેત પ્રભાવને ઘટાડવાના પ્રયાસરૂપે, કિસિંજર તેના મુખ્ય સામ્યવાદી હરીફ ચીન સુધી પહોંચ્યાં હતા અને ત્યાં બે પ્રવાસો કર્યા હતા. જેમાં પ્રીમિયર ઝોઉ સાથે મુલાકાત કરવાનો એક ગુપ્ત પ્રવાસ પણ સામેલ હતો. તેનું પરિણામ બેઇજિંગમાં અધ્યક્ષ માઓ ઝેડોંગ સાથે નિકસનની ઐતિહાસિક સમિટ થઈ હતી અને બંને દેશો વચ્ચેના સંબંધો ઔપચારિક બન્યાં હતા.

 

 

LEAVE A REPLY

three × 2 =