કર્ણાટક સેંકડો મુસ્લિમ મહિલાઓ અને બીજા મુસ્લિમ સંગઠનોએ દવાનાગેરે શહેરમાં સોમવારે હિજાબની તરફેણમાં દેખાવો કર્યા હતા. (ANI Photo)

કર્ણાટકની સ્કૂલ કોલેજોમાં મુસ્લિમ યુવતીઓ દ્વારા હિજાબ પહેરવાના મુદ્દે ઊભા થયેલા વિવાદ હવે રાજકારણના રંગે રંગાવા લાગ્યો છે. આ વિવાદમાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ બુધવાર, 9 ફેબ્રુઆરીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘ચાહે તે બિકીની હોય, બુરખો હોય કે જીન્સ હોય કે હિજાબ હોય. શું પહેરવું તે સ્ત્રીએ નક્કી કરવાનું છે. આ અધિકાર તેમને ભારતના બંધારણે આપ્યો છે. મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો.મહિલાઓને પોતાની મરજી મુજબ પોશાક પહેરવાનો અધિકાર છે, જે તેમને બંધારણમાંથી મળ્યો છે.

કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓના જૂથો સામસામે આવી ગયા છે. પથ્થરમારાની ઘટનાઓ પણ બની છે. મુસ્લિમ વિદ્યાર્થીઓ હિજાબ પરના પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે ઘણા હિંદુ વિદ્યાર્થીઓ કેસરી મોજા અને દુપટ્ટા પહેરીને કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ વિવાદ વકરતા કર્ણાટક સરકારે 3 દિવસ માટે શાળા અને કોલેજો બંધ કરવાનો 8 ફેબ્રુઆરીએ આદેશ આપ્યો હતો.

મંગળવારે ઉડુપી, શિવમોગા, બાગલકોટ અને કર્ણાટકના અન્ય ભાગોમાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબના સમર્થનમાં અને તેની વિરુદ્ધમાં પ્રદર્શનો થયા બાદ તણાવ વધી ગયો હતો. આ પછી પોલીસ અને પ્રશાસનને દરમિયાનગીરી કરવી પડી હતી. શિવમોગામાં પથ્થરમારો બાદ કલમ 144 પણ લાગુ કરવામાં આવી હતી.

આ મુદ્દે કર્ણાટક હાઈકોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરવાના તેમના અધિકારને પુનઃસ્થાપિત કરવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. કર્ણાટક હાઇ કોર્ટે આ મુદ્દો લાર્જર બેન્ચને સોંપ્યો છે.

કર્ણાટકનો હિજાબ વિવાદ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી રાજકારણમાં પણ પ્રવેશી ગયો છે. આ મામલે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી અને ભાજપ આમને-સામને આવી ગયા છે. હિજાબ વિવાદને લઈને દિલ્હી અને મુંબઈમાં પણ દેખાવો શરૂ થઈ ગયા છે.