કર્ણાટક સેંકડો મુસ્લિમ મહિલાઓ અને બીજા મુસ્લિમ સંગઠનોએ દવાનાગેરે શહેરમાં સોમવારે હિજાબની તરફેણમાં દેખાવો કર્યા હતા. (ANI Photo)

કર્ણાટકમાં હિજાબ વિવાદને કારણે બંધ થઈ ગયેલી પ્રિ-યુનિવર્સિટી કોલેજો ફરી ખોલવાના એક દિવસ પહેલા રાજ્યના ગૃહપ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ જણાવ્યું હતું કે સમાજને વિભાજિત કરવાના અને નિર્દોષ વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના પ્રયાસો કરતા ધાર્મિક સંગઠનો સામે કાનૂની કાર્યવાહી કરવા સત્તાવાળાને આદેશ આપવામાં આવ્યા છે.

તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલાંક ધાર્મિક સંગઠનો સમાજને વિભાજિત કરવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહ્યાં છે. આવા સંગઠનોને ઓળખીને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓ નહીં, પરંતુ અમુક ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ સ્કૂલ-કોલેજોમાં હિજાબ પહેરવાની માગણી કરી રહ્યાં છે. આ આગ્રહ વિદ્યાર્થીઓનો પોતાનો નથી. આપણે હાઇકોર્ટના વચગાળાના આદેશનું સન્માન કરવું જોઇએ. કર્ણાટક હાઇકોર્ટે તેનો અંતિમ આદેશ ન આવે ત્યાં સુધી સ્કૂલો અને કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક પોશાક ન પહેરવાની વિદ્યાર્થીઓને તાકીદ કરેલી છે. પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવી માટે સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ કોઇ અવરોધ વગર વર્ગખંડમાં હાજરી આપી શકે. તેમણે કોઇ પણ ભય વગર શૈક્ષિણિક પ્રવૃત્તિમાં સામેલ થવાનો પણ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.