(ANI Photo)

હરિયાણાના પલવલ જિલ્લાના પોંડરી ગામે હિન્દુ સંગઠનોએ રવિવારે બોલાવેલી હિન્દુ મહાપંચાયતે 28 ઓગસ્ટે નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની બ્રજ મંડલ યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉ નૂહમાં વીએચપીની આ યાત્રા પર હુમલા પછી મોટાપાયે કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતા. મહાપંચાયલે તાજેતરની હિંસામાં મૃત્યુ પામેલા હિન્દુઓના પરિવારોને રૂ.1 કરોડ રૂપિયાનું વળતર અને સરકારી નોકરી આપવાની તથા હિંસામાં ઘાયલ થયેલા હિન્દુઓને રૂ.50 લાખની સહાય આપવાની માગણી કરી હતી. નેતાઓએ શહેરમાં રહેતા રોહિંગ્યાઓ અને અન્ય કોઈપણ દેશના લોકોને હાકી કાઢો પણ બુલંદ માગણી કરી હતી.

મહાપંચાયતમાં કેટલાંક નેતાઓએ કથિત ભડકાઉ ભાષણો પણ કર્યા હતા. મહાપંચાયતે સંખ્યાબંધ માગણીઓ કરી હતી, જેમાં 31 જુલાઈના રોજ નૂહમાં VHP યાત્રા પર થયેલા હુમલાની NIA તપાસ અને નૂહને ગૌહત્યા મુક્ત જિલ્લો જાહેર કરવાની માગણીનો સમાવેશ થાય છે.

આ ‘સર્વ જાતિ મહાપંચાયત’માં પલવલ, ગુરુગ્રામ અને નજીકના અન્ય સ્થળોના લોકોએ ભાગ લીધો હતો. મહાપંચાયતમાં નિર્ણય કરાયો હતો કે યાત્રા નૂહના નલહડથી ફરી શરૂ થશે અને જિલ્લાના ફિરોઝપુર ઝિરકાના ઝિર અને શિંગર મંદિરોથી પસાર થશે.

મહાપંચાયતને સંબોધિત કરતાં કેટલાક હિંદુ નેતાઓએ કહ્યું હતું કે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જિલ્લા નૂહમાં હિંદુઓને સ્વરક્ષણ માટે શસ્ત્ર લાયસન્સ માટેના નિયમોમાં છૂટછાટ આપવામાં આવે છે. હરિયાણા ગૌ રક્ષક દળના આચાર્ય આઝાદ શાસ્ત્રીએ યુવાનોને હાકલ કરી હતી કે એફઆઈઆરથી ડરશો નહીં. આપણે મેવાતમાં 100 રાઇફલ્સનું લાઇસન્સ મેળવવાની તાત્કાલિક ખાતરી કરવી જોઈએ.

મહાપંચાયતમાં ભાજપના કેટલાંક સ્થાનિક નેતાઓએ હાજરી આપી હતી. તે ‘સર્વ હિન્દુ સમાજ’ના બેનર હેઠળ યોજાઈ હતી. તેમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સહિત  હિન્દુ સંગઠનોએ ભાગ લીધો હતો. મહાપંચાયતની અધ્યક્ષતા ખાપ નેતા અરુણ જૈલદારે કરી હતી. ઝેલદારે કહ્યું કે હિંસાને કારણે વાર્ષિક યાત્રા અધૂરી રહી ગઈ છે અને તે 28 ઓગસ્ટે પૂર્ણ થવી જોઈએ.

હકીકતમાં મહાપંચાયત  નુહ જિલ્લાના કિરા ગામમાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને નૂહ જિલ્લામાં મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક (મુખ્યમથક) સંદીપ મોરે રવિવારે જણાવ્યું હતું કે પલવલમાં મહાપંચાયત માટે પરવાનગી આપવામાં આવી હતી.

પલવલ અને નૂહ નજીકના જિલ્લાઓ છે. 31 જુલાઈએ VHPના યાત્રા પર ટોળાના હુમલા પછી   નૂહમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં બે હોમગાર્ડ અને એક મૌલવી સહિત છ લોકોના મોત થયા હતા. ગુરુગ્રામમાં પણ હિંસાની છૂટાછવાયા બનાવો જોવા મળ્યાં હતાં.

અગાઉ VHP નેતા દેવેન્દર સિંહે દાવો કર્યો હતો કે અગાઉ આ યાત્રા પર હુમલો થયો તે 28 ઓગસ્ટે નૂહમાં ફરી શરૂ થશે. મહાપંચાયતે એવી પણ માગણી કરી હતી કે નૂહ જિલ્લાને તેને અડીને આવેલા પલવલ અને ગુરુગ્રામ જિલ્લાઓમાં ભેળવી દેવામાં આવે તથા હિંદુઓની દુકાનો અને ઘરોના નુકસાનનો સર્વે કરવામાં આવે અને તેમને વળતર આપવામાં આવે. નૂહમાં રેપિડ એક્શન ફોર્સ અને કેન્દ્રીય દળોની ચાર બટાલિયનની કાયમી તૈનાત હોવી જોઈએ. વધુમાં એવી માંગણી કરાઈ હતી કે હિંસામાં સંડોવાયેલા લોકો સામે નૂહમાં નોંધાયેલા કેસોની સુનાવણી જિલ્લાની બહારની કોર્ટમાં કરવામાં આવે તથા ધરપકડ કરાયેલા આરોપીઓને નૂહને બદલે ગુરુગ્રામ અથવા અન્ય જેલમાં રાખવામાં આવે. નૂહમાં રહેતા રોહિંગ્યાઓ અને દેશની બહારના તમામ લોકોને દૂર કરવા જોઈએ અને તેનો અમલ કરવા માટે કાયદો બનાવવો જોઈએ.

મહાપંચાયતમાં બજરંગ દળના રાજ્ય કન્વીનર ભારત ભૂષણ, વીએચપીના સોશિયલ મીડિયા હેડ અનુરાગ કુલશ્રેષ્ઠ, ભાજપના સોહના ધારાસભ્ય સંજય સિંહ, પલવલના પૂર્વ ધારાસભ્ય સુભાષ ચૌધરી, નુહ ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેન્દર આર્ય તથા VHP, બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનોના નેતાઓ હાજર રહ્યાં હતા.

 

LEAVE A REPLY

2 × four =