(ANI Photo)

વીતેલા જમાનાની અભિનેત્રી અને પૂર્વ સાંસદ જયા પ્રદાને ચેન્નાઇની કોર્ટે કેટલાંક વર્ષ જૂના એક કેસમાં છ મહિનાની જેલની સજા અને રૂ.5,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં અભિનેત્રીની સાથે તેના બિઝનેસ પાર્ટનર રામ કુમાર અને રાજા બાબુને પણ દોષી ઠેરવવામાં આવ્યાં હતાં 

અહેવાલો અનુસાર જયા પ્રદા અને બિઝનેસ પાર્ટનરો તે સમયે ચેન્નાઈમાં એક મૂવી થિયેટર ધરાવતા હતાં. પરંતુ ખોટને કારણે સિનેમા હોલ બંધ કરી દીધો હતો. થિયેટરોમાં કામ કરતા સ્ટાફ સભ્યોએ તેમના પગારમાંથી કાપવામાં આવેલી ESI રકમની ચુકવણી ન કરવા બદલ જયા પ્રદા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 

આ પછી શ્રમ સરકારી વીમા નિગમે જયા પ્રદારામ કુમાર અને રાજા બાબુ વિરુદ્ધ ચેન્નાઈની એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટે કેસની સુનાવણી કરી સજા અને દંડનો ચુકાદો આપ્યો હતો. 

જયા પ્રદાએ કથિત રીતે કેસમાં આરોપનો સ્વીકાર કર્યો હતો અને થિયેટર સ્ટાફને તમામ લેણાં ચૂકવવાનું વચન આપ્યું હતું. તેમણે કોર્ટને આ કેસને રદ કરવાની પણ વિનંતી કરી હતી. જોકે કોર્ટે આ અપીલને ફગાવી દીધી હતી અને રૂ. 5,000ના દંડ સાથે 6 મહિનાની જેલની સજા ફટકારી હતી.  

જયા પ્રદા 70 અને 80ના દાયકામાં તેલુગુ અને હિન્દી બંને ફિલ્મ ઉદ્યોગમાં એક લોકપ્રિય અભિનેત્રી હતી. જયા પ્રદાને તેમના સમયની સૌથી સુંદર અભિનેત્રી પણ માનવામાં આવતી હતી. સરગમસિંદૂરમા જેવી ફિલ્મોમાં જયા પ્રદાના અભિનયને હજુ પણ યાદ કરવામાં આવે છે.   તેમણે કારકિર્દીની ટોચ પર ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો હતો અને રાજકારણમાં જોડાઈ ગયા હતા.  જયા પ્રદા હાલમાં ભારતીય જનતા પાર્ટીની સભ્ય છે.  

LEAVE A REPLY

seventeen + nineteen =