દિવાળીની ઉજવણી કરવા અને અંગ દાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે, જૈન અને હિન્દુ ઓર્ગન ડોનેશન સ્ટીઅરિંગ ગ્રુપ (JHOD) અને એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) દ્વારા  ઉત્સવોના ભાગ રૂપે અંગ દાનને પ્રોત્સાહન આપતી રાષ્ટ્રીય કળા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકોને તાજેતરમાં આવેલા કાયદા બાદ બદલાવ લાવવા અને BAME સમુદાયોના વધુ લોકોને અને ખાસ કરીને એશિયન બેકગ્રાઉન્ડના લોકોને તેમના અંગ દાનના નિર્ણયની નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરવા આ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. હાલમાં, BAME બેકગ્રાઉન્ડના 1,408 લોકો સક્રિય રૂપે પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે, કુલ દર્દીઓમાંથી લગભગ એક તૃતીયાંશ અને ઘણા લોકો માટે, ખાસ કરીને કિડનીની રાહ જોતા લોકો માટે,  તેમના જ વંશના વ્યક્તિઓમાંથી ઉત્તમ મેચ મળી આવે તેવી સંભાવના છે.

આ સ્પર્ધામાં 70 લોકોએ ભાગ લીધો હતો જેમાં ત્રણ વય જૂથના લોકોનો સમાવેશ થાય છે. સટનની 11 વર્ષની પ્રિશા જૈન (5-11 વય જૂથમાં), હેરો અને હિલિંગ્ડન નજીકની 12 વર્ષની સાન્વી હરીયા (12-18 વય જૂથમાં) અને વિલ્ટશાયરના એમેસબરીથી ડેમી લાડવા (18+ વય જૂથમાં) વિજેતા જાહેર થઇ હતી.

જેએચઓડીના અધ્યક્ષ કિરીટ મોદીએ કહ્યું હતું કે “આ દિવાળીએ અમારા મહત્વાકાંક્ષી અભિયાનની સફળતાથી મને આનંદ થયો છે અને આપણે બધાને તેનું મહત્વ યાદ કરાવ્યું છે.

આ મુશ્કેલ સમયે એકબીજાને ટેકો આપવો. રોગચાળાને કારણે આ વર્ષે દિવાળી ખૂબ જ અલગ રીતે ઉજવવામાં આવશે. મારા સાથી હિન્દુ અને જૈન નેતાઓ આજે દરેકને દિવાળીની ઉજવણી દરમિયાન અંગ દાન વિશે વિચારવાનું કહે છે. જેઓ અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે તેમના વિશે વિચાર કરીને અને જીવન બચાવવામાં મદદ કરીને ચાલો આ વર્ષે દિવાળીને રોશન કરીએ.”

એનએચએસ બ્લડ અને ટ્રાન્સપ્લાન્ટમાં ફેઇથ એન્ડ બિલીફ એન્ગેજમેન્ટના વડા અલ્તાફ કાઝીએ જણાવ્યું હતું કે “દિવાળી પ્રસંગે હિન્દુ અને જૈન સમુદાયોએ અંગ દાન માટે દર્શાવેલા સમર્થનથી અમને આનંદ થયો છે. સ્પર્ધાને તમામ ઉંમરના લોકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. યુકેમાં દરરોજ કોઈ વ્યક્તિ અંગની રાહ જોતા મૃત્યુ પામે છે અને BAME બેકગ્રાઉન્ડના લોકો ટ્રાન્સપ્લાન્ટ માટે શ્વેત દર્દીઓ કરતાં વધુ રાહ જોવી પડે છે. હું આ દિવાળીમાં દરેકને અંગ દાન ધ્યાનમાં લેવાનું અને તેમના દાતા બનવાના નિર્ણય વિશે તેમના પરિવારો સાથે વાત કરવા પ્રોત્સાહિત કરું છું.”

લોર્ડ જિતેશ ગઢીયા પણ હિંદુઓ અને જૈનોને અંગ દાન વિશે વધુ જાણવા, તેમના પરિવારજનો સાથે નિર્ણય લેવા અને શેર કરવા અને પ્રોત્સાહિત કરવાના કાર્યને સમર્થન આપે છે. તેમણે કહ્યું હતું કે “આ સ્પર્ધા માટે જજીંગ પેનલના અધ્યક્ષ સ્થાને કામ કરતા મને આનંદ છે. આ રોગચાળા દરમિયાન, આપણે હિંદુઓ, જૈનો અને શીખ લોકોને વહેંચાયેલા મૂલ્યો, સેવા અથવા નિ:સ્વાર્થ સેવાની ઉમદા પ્રેક્ટિસ કરતા અનેક ઉદાહરણો જોયા છે. હું તમને વિનંતી કરું છું કે આ દિવાળી – તમારા પ્રિયજનો સાથે અંગ દાનની ચર્ચા કરવા અને જીવન બચાવવા માટે સકારાત્મક નિર્ણય લેવા થોડો સમય કાઢો.”

વધુ માહિતી માટે જુઓ www.organdonation.nhs.uk અને એનએચએસ ઓર્ગન ડોનર રજિસ્ટરમાં નોંધ કરાવો.