(Photo by Finnbarr Webster/Getty Images)

યુકેમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો છે અને આ વર્ષે ઇંગ્લેન્ડના સૌથી ગરમ સપ્તાહના કારણે દેશભરમાં કુલ પાંચ લોકોના મૃત્યુ નોંધાયા હતા. આકરા તાપમાં ક્રિકેટ રમતી વખતે એક વ્યક્તિ પડી જતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ઇંગ્લેન્ડમાં ચાર લોકો અલગ અલગ ઘટનામાં ડૂબી ગયા હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં આત્યંતિક સનબર્નની સારવાર લેતાં બાળકોમાં વધારો થયો હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે.

ગ્રેટર માન્ચેસ્ટર અને ઑક્સફોર્ડશાયરમાં રવિવારે તા. 18ના રોજ બે જણા ડૂબી ગયા હતા. નોર્થ યોર્કશાયરમાં 50ના દાયકાના એક વ્યક્તિનું ડૂબી જવાના કારણે મરણ થયું હતું. રાત્રીના 9 વાગ્યે એડન નદીમાં પ્રવેશ્યા બાદ ગુમ થયેલા એક કિશોરની લાશ કમ્બ્રીયા પોલીસને મળી હતી.

રોયલ લાઇફ સેવિંગ સોસાયટીએ રવિવારે માન્ચેસ્ટર, ઓક્સફર્ડશાયર, સાઉથ યોર્કશાયર, ડર્બીશાયર અને કમ્બ્રીયામાં છ મૃતદેહો મળી આવ્યા બાદ પાણીમાં પ્રવેશતી વખતે સાવચેતી રાખવાની લોકોને વિનંતી કરી છે. લેક ડિસ્ટ્રિક્ટ અને વેસ્ટ યોર્કશાયરમાં વધુ બે લોકોની શોધ ચાલુ છે.

શેફિલ્ડના તળાવમાંથી એક લાશ મળી આવી હતી. સાઉથ યોર્કશાયર પોલીસે જણાવ્યું હતું કે, ક્રૂકસ વેલી પાર્કમાં એક વ્યક્તિ તળાવમાં ડૂબતો હોવાનો કોલ રવિવારે સાંજે મળ્યો હતો. અંડરવોટર સર્ચ ટીમે મધ્યરાત્રિ પહેલા જ પાણીમાંથી એક લાશ શોધી કાઢી હતી જેની ઓળખ હજુ બાકી છે.

ડોરસેટના જુરાસિક કોસ્ટ પર રવિવારે ખડક પરથી નીચે પડતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. કોસ્ટગાર્ડ બચાવ ટીમો, એક લાઇફબોટ, પોલીસ અને એમ્બ્યુલન્સ ક્રૂને રવિવારે સાંજે 6.30 વાગ્યે લુલવર્થ કોવ નજીક સીડી હોલમાં બોલાવવામાં આવ્યા હતા.

બેડફોર્ડશાયરનો 40 વર્ષના માણસને ઘટના સ્થળે મૃત જાહેર કરાયો હતો. જો કે કોઈ શંકાસ્પદ સંજોગો જણાયા નહોતા. ગ્રેટર માન્ચેસ્ટરમાં સેલ્ફોર્ડ ક્વેઝ ખાતેની એક કેનાલમાંથી 19 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ રવિવારે સાંજે મળી આવ્યો હતો. એક કિશોરવયની યુવતીને એ જ બપોરે ઓક્સફર્ડશાયરના વિટનીના તળાવમાંથી ખેંચી કાઢવામાં આવી હતી.

બ્રિટનમાં ઉનાળાના સૌથી ગરમ દિવસોમાંના એક એવા શનિવાર 17 જુલાઇના રોજ ગ્લેમોર્ગનના સલી સેન્ચ્યુરિયન્સ ખાતે ક્રિકેટ પીચ પર જ છાતીમાં દુખાવો થતા અને ચક્કર આવતા પડી ગયેલા 44 વર્ષિય મકસૂદ અનવરનું મોત નીપજ્યું હતું. ત્રણ બાળકોના પિતા અને ગેસ એન્જિનિયર તરીકે કામ કરતા મકસૂદને આઠ કલાક સુધી બોલિંગ કર્યા પછી, છાતીમાં દુખાવો, ચક્કર અને હાથમાં કળતર જેવું લાગ્યું હતું. પણ તેમણે હીટસ્ટ્રોક લાગ્યો હોવાનું એમ્બ્યુલન્સ બોલાવવાનો ઇન્કાર કર્યો હતો. તેઓ બાજુ પર બેસવા જતા સાથી ખેલાડીઓએ તેમને ઠંડક લાગે તે માટે પાણી પણ છાંટ્યું હતું પણ તેઓ તૂટી પડ્યા હતા. એર એમ્બ્યુલન્સ અને પેરામેડિક્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા પરંતુ 45 મિનિટની સારવાર બાદ પણ તેમને બચાવી શક્યા ન હતા.

રવિવાર તા. 19નો દિવસ ઇંગ્લેન્ડ અને વેલ્સ બંને માટે સૌથી ગરમ રહ્યો હતો. લંડનના હિથ્રો એરપોર્ટ પર 88 ફેરનહીટ (31.6 ડીગ્રી સેલ્સીયસ) અને કાર્ડિફ ખાતે 86 ફેરનહીટ (30.2 ડીગ્રી સેલ્સીયસ) તાપમાન નોઁધાયું હતું. જે ઇંગ્લેન્ડ અને વેલ્સ બન્ને અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ બન્યો હતો.

ઉનાળાની ગરમીના કારણે હજારો લોકો સમુદ્ર, તળાવ અથવા અન્ય જળાશયોમાં ઠંડક માટે તરવાની કે ન્હાવાની લાલચ રોકી શકતા નથી. જોકે નિષ્ણાતોએ સાવચેતી રાખવાની વિનંતી કરી છે. ધ કેનાલ એન્ડ રીવર ટ્રસ્ટે પાણીમાં ન જવા સલાહ આપતાં કહ્યું છે કે પાણીમાં ઘણા બધા જોખમો રહેલા હોય છે અને તમે સપાટીની નીચે છુપાયેલું જોઈ શકતા નથી”.

સ્વૉન્ઝી બે યુનિવર્સિટીના હેલ્થ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “અમારું બર્ન્સ સેન્ટર ગંભીર પ્રકારના સનબર્ન વાળા બાળકોની સારવાર કરે છે અને આવનારા દિવસોમાં કેસોમાં વધુ વધારો થવાનો ભય છે. હાઇ-ફેક્ટર સનસ્ક્રીન લગાવવાથી તમને અને તમારા બાળકનો ઘણી પીડા અને વેદનાથી બચાવ થઇ શકે છે.”

આ “સુકા, ખૂબ ગરમ અથવા ગરમ” જેવી પરિસ્થિતિ અઠવાડિયુ ચાલે તેવી અપેક્ષા છે.