વૈશ્વિક ક્ષેત્રે એરલાઇન્સ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા એક ગ્રુપ દ્વારા યુએનની એવિએશન એજન્સીને કોમર્શિયલ પાયલટ્સ માટેની ઇન્ટરનેશનલ વય મર્યાદા 65થી વધારીને 67 વર્ષ કરવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ ગ્રુપનો દાવો છે કે, વિશ્વભરમાં હવાઈ મુસાફરીની માગ પાયલટ્સની સંખ્યા કરતાં વધી રહી છે. યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO)ની 23 સપ્ટેમ્બરના રોજ મળનારી સામાન્ય સભામાં આ દરખાસ્ત મુદ્દે વિચાર કરાશે, જેનો અમેરિકાના મુખ્ય પાયલટ યુનિયનોએ વિરોધ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ 65 વર્ષથી વધુ ઉંમરના પાયલટ્સ વિદેશની ફ્લાઇટ્સ ઉડાવવા માટે પ્રતિબંધિત છે, અને અમેરિકા સહિત ઘણા દેશો સ્થાનિક કક્ષાએ પણ આ જ નિયમનો અમલ કરે છે. 350 જેટલી એરલાઇન્સ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરનાર સંગઠન-ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાયલટ્સની વય મર્યાદા બે વર્ષ વધારવી એ ‘સાવધાનીપૂર્વકનું પરંતુ સલામતીની દૃષ્ટિએ યોગ્ય પગલું’ છે. ICAOની વેબસાઇટ પર જાહેર કરાયેલા એક પત્રમાં IATA દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછા બે પાયલટસ હોવા જરૂરી છે, જેમાં એક પાયલટની ઉંમર 65 વર્ષથી વધુ હોય તો બીજાની વય તેનાથી ઓછી હોવી જોઇએ. 2006માં, ICAOએ આ વય મર્યાદા 60થી વધારીને 65 વર્ષ કરી હતી. એલાઈડ પાયલટ્સ એસોસિએશન (APA)ના પ્રવક્તા ડેનિસ ટાજરે જણાવ્યું હતું કે, નિવૃત્તિની ઉંમરને વધારવાના જોખમને સંપૂર્ણ રીતે સમજવા માટે જરૂરી ડેટા ઉપલબ્ધ નથી.

LEAVE A REPLY