યુકેમાં વિવિધ સેક્સ્યુઅલ ગુના માટે દોષિત ઠરેલા વિદેશીઓમાં ભારતીયોના પ્રમાણમાં સૌથી વધુ 257 ટકાનો વધારો જોવા મળ્યો છે. 2021માં આવા ગુનામાં ભારતીયો સામેના કેસોની સંખ્યા 28 હતી, જે 2024માં વધીને 100 થઈ હતી. દેશમાં છેલ્લાં ચાર વર્ષમાં આવા ગુના માટે વિદેશીઓને સજામાં પણ વધારો નોંધાયો હોવાનું બ્રિટિશ સરકારના ડેટાના એક વિશ્લેષણમાં જણાયું છે. 2021થી 2024 વચ્ચેના ચાર વર્ષમાં ભારતીયો સામેના આવા કેસમાં 72નો વધારો થયો હતો, જે 257 ટકાનો જંગી વધારો દર્શાવે છે. તેની સામે અન્ય દેશના નાગરિકોને આવા ગુનામાં દોષિત ઠેરવવાનું પ્રમાણ 62 ટકા નોંધાયું હતું. આ આંકડા દેશના ન્યાય મંત્રાલયના ડેટા આધારિત છે. આ ડેટા પોલીસ નેશનલ કોમ્પ્યુટર દ્વારા આપવામાં આવ્યાં હતાં અને ઇમિગ્રેશન વિરોધી થિંક ટેન્ક- સેન્ટર ફોર માઇગ્રેશન કંટ્રોલ (CMC) દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. CMCના વિશ્લેષણમાં જણાવાયું છે કે, 2021થી 2024 દરમિયાન સેક્સ્યુઅલ ગુનામાં દોષિત ઠેરવવામાં આવેલા વિદેશી નાગરિકોના પ્રમાણમાં 62 ટકાનો વધારો થયો હતો. આમ આવા ગુનામાં દોષિત ઠરેલા વિદેશી નાગરિકોની સંખ્યા 687થી વધીને 1,114 નોંધાઇ હતી. આ સમયગાળામાં બ્રિટિશ નાગરિકોના દોષિત ઠેરવવાનો દર 39.31 ટકા વધ્યો હતો. CMCના આંકડા મુજબ ભારતીયો 2021થી આવા શરમજનક કૃત્યમાં મોખરે રહ્યાં હતા. આ પ્રમાણ 2022માં વધીને 53, 2023માં 67 અને ગત વર્ષે 100 પર પહોંચ્યું હતું. આ સમયગાળામાં ભારતીયો પછી નાઇજિરિયનો સામેના કેસમાં 166 ટકાનો, ઇરાકીઓ સામેના કેસમાં 160 ટકાનો, સુદાનના નાગરિકો સામેના કેસમાં 117 ટકાનો અને અફઘાની સામેના કેસમાં 115 ટકાનો વધારો થયો હતો. આ યાદીમાં બાંગ્લાદેશ છઠ્ઠા ક્રમે અને પાકિસ્તાન સાતમાં ક્રમે રહ્યું હતું. બાંગ્લાદેશીઓ સામેના કેસમાં 100 ટકા અને પાકિસ્તાનીઓ સામેના કેસોમાં 47 ટકાનો વધારો થયો હતો. બીજા ગંભીર ગુનામાં દોષિત સાબિત થવામાં પણ ભારતીયો ત્રીજા સ્થાને રહ્યા હતા. 2021-24 દરમિયાન તેમાં 115 ટકાનો વધારો થયો હતો.

LEAVE A REPLY