સીએટલમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે નવી ચાન્સરી સુવિધાનું તાજેતરમાં એમ્બેસેડર વિનય ક્વાત્રા દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે વોશિંગ્ટનના ગવર્નર બોબ ફર્ગ્યુસન, સેનેટર મારિયા કેન્ટવેલ અને સીએટલના મેયર બ્રુસ હેરેલ ઉપસ્થિત રહ્યા હતા. ગવર્નર ફર્ગ્યુસને ચૂંટાયેલા નેતાઓ અને ભારતીય અમેરિકન સમુદાયના અગ્રણીઓને સંબોધતા આ નવી સુવિધાના પ્રારંભને એક સીમાચિહ્નરૂપ વિકાસ તરીકે આવકારી હતી. તેમણે ભારત અને યુએસ પેસિફિક નોર્થ-વેસ્ટ ક્ષેત્ર વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા માટે ભાર મુક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં છઠ્ઠા ભારતીય કોન્સ્યુલેટ શરૂ કરવાની જાહેરાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જૂન 2023માં કરવામાં આવી હતી, અને પાંચ મહિનામાં નવેમ્બર 2023માં સીએટલમાં એક હંગામી સ્થળે તેની કામગીરી શરૂ થઇ હતી. જુલાઈ 2024માં તેની કોન્સ્યુલર કામગીરી શરૂ થયા પછી, કોન્સ્યુલેટે તેના વોશિંગ્ટન, ઓરેગોન, અલાસ્કા, ઇદાહો, મોન્ટાના, નોર્થ ડકોટા, સાઉથ ડાકોટા, વ્યોમિંગ અને નેબ્રાસ્કાના કોન્સ્યુલર વિસ્તારના કુલ 23722 અરજદારોને કોન્સ્યુલર સર્વિસી આપી હતી. આ અવસરે ભારતીય અમેરિકન સમુદાયના પ્રતિનિધિઓ સાથે એમ્બેસેડરની ટૂંકી ચર્ચાઓ પણ થઈ હતી. મુલાકાત દરમિયાન, એમ્બેસેડર કવાત્રાએ ગ્રેટર સીએટલ વિસ્તારની ટેકનોલોજી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ, વોશિંગ્ટનના નેતાઓ અને જાહેર પદ પર ચૂંટાયેલા ભારતીયો સાથે પણ ચર્ચા કરી હતી.
