અમેરિકામાં બે સપ્ટેમ્બર 2021ના રોજ ત્રાટકેલા ઇડા વાવાઝોડા બાદ ન્યૂ જર્સી મેનવિલેની સેટેલાઇટ તસવીર Satellite image copyright 2021 Maxar Technologies/Handout via REUTERS

અમેરિકાના ઉત્તરપૂર્વમાં ત્રાટકેલા ઇડા વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને રવિવારે 50 થયો હતો. વાવાઝોડું ત્રાટક્યાના એક સપ્તાહ બાદ પણ લુઇસિયાનામાં આશરે 6 લાખ લોકો માટે વીજળીનો સપ્લાય ચાલુ થઈ શક્યો ન હતો. ભારે વરસાદને કારણે એકાએક આવેલા પૂરમાં અનેક લોકો લાપતા બન્યા હતા. વાવાઝોડાને કારણે 1.2 મિલિયન ઘર અને બિઝનેસમાં વીજળી સપ્લાય ખોરવાઈ ગયો હતો.

ન્યૂ જર્સીમાં 27 લોકો, ન્યૂ યોર્કમાં 17 લોકો અને લુઇસિયાનામાં 13ના મોત થયા હતા. કનેક્ટિકટમાં ઓછામાં ઓછા વ્યક્તિનું અને પેન્સિલવેનિયામાં ચાર લોકોના મોત થયા હતા. આ ઉપરાંત મેરિલેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
શક્તિશાળી ઇડા વાવાઝોડું કેટેગરી ફોર- હરિકેન તરીકે 29 ઓગસ્ટે લુઇસિયાનામાં ત્રાટક્યું હતું. પવનની સ્પીડ પ્રતિકલાક 150 માઇલ્સની હતી. રવિવારે અહીં કુલ મૃત્યુઆંક વધીને 13 થયો હતો. ઉત્તર દિશામાં આગળ વધ્યા બાદ વાવાઝોડુ નબળું પડ્યું હતું, પરંતુ પૂર્વ દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ફ્લેશ ફ્લડને ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હતા, એમ રવિવારે સત્તાવાર ડેટામાં જણાવાયું હતું.

ન્યૂ યોર્ક સિટીના સેન્ટ્રલ પાર્કમાં બુધવારે વિક્રમજનક પ્રતિકલાક 3.1 ઇંચ (7.9 સેમી) વરસાદને કારણે આવેલા ફ્લેશ ફ્લડને કારણે બિઝનેસ, જાહેર પરિવહન સિસ્ટમ અને આશરે 1,200 મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોશુલે જણાવ્યું હતું કે આશરે 50 મિલિયન ડોલરથી વધુ નુકસાન થયું છે.

વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા ન્યૂ યોર્ક સિટીના ઇસ્ટ એલ્મબર્સ્ટની મુલાકાત બાદ હોશુલે જણાવ્યું હતું કે “મૃત્યુઆંક અસાધારણ છે.”

ગવર્નરે અગાઉ પ્રેસિડન્ટ જો બાઇડન સમક્ષ ઇમર્જન્સી ડિઝાસ્ટર ડિક્લેરેશનની માગણી કરી હતી તથા હંગામી મકાનો બનાવવા અને ઘરોના પુનઃનિર્માણ માટેના ખર્ચ માટે ફેડરલ મનીની માગણી કરવા રવિવારે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા.

ગવર્નરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ન્યૂ યોર્કમાં 17 લોકોના મોતને પુષ્ટી મળી છે. તેમાંથી ચાર વ્યક્તિના મોત સબર્બ વેસ્ટચેસ્ટર કાઉન્ટીમાં થયા હતા અને બાકીના મોત ન્યૂ યોર્ક સિટીમાં થયા હતા. લગભગ મોટાભાગના મૃતકો ગેરકાયદેસર એપાર્ટમેન્ટમાં ફસાઇ ગયા હતા. સામાન્ય રીતે આવા એપાર્ટમેન્ટ ઓછી આવક ધરાવતા લોકો રહેતા હોય છે.

ન્યૂ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ જણાવ્યું હતું કે ન્યૂ જર્સીમાં વાવાઝોડાથી 27 લોકોના મોત થયા છે અને ચાર લોકો લાપતા છે. લાપતા લોકોને શોધવા માટે પેસૈક નદીમાં રવિવારે રાઉન્ડ ધ ક્લોક શોધખોળ ચાલુ હતી. પેસૈક ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર રાહત અને બચાવ ટીમને મંગળવાર અને બુધવારે તેમની શોધખોળ કામગીરીમાં સ્પેશ્યલ હાઇ રિઝોલ્યુશન સોનાર કેમેરા મળવાની આશા છે.

ન્યૂ જર્સીમાં નિધિ રાણા માટે પ્રાર્થનાસભા

ન્યૂ જર્સીના સાઉથ ઓરેન્જના સેટોન હોલ યુનિવર્સિટી ખાતે રવિવારે નિધિ રાણા માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પેસૈકની પ્રથમ વર્ષની કમ્પ્યૂટર વિદ્યાર્થી નિધિ રાણા છેલ્લે મોન્ટક્લેર સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી અને તેના મિત્ર આયુષ રાણા સાથે દેખાઈ હતી. બંને વિદ્યાર્થીઓની કાર પાણીમાં તણાઇ ગઈ હોવાનું માનવામાં આવે છે. સેટોન હોલના પ્રેસિડન્ટ જોસેફ નાયરે વિદ્યાર્થીઓને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે નિધિ અને આયુષની સુરક્ષિત વારસી માટે અમારા સાથે પ્રાર્થનાસભામાં સામેલ થવા વિનંતી.