ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાના દૂતાવાસે બુધવારે ફરી એકવાર સખત ચેતવણી આપી હતી કે જો અમેરિકાના કાયદાનો ભંગ કરશો તો વિઝા રદ કરવા અને દેશનિકાલ કરવા જેવા આકરા પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત અમેરિકાની ભાવિ મુસાફરી પર લાંબા ગાળાનો પ્રતિબંધ પણ મૂકાઈ શકે છે.
યુએસ વિઝા એક વિશેષાધિકાર છે, અધિકાર નથી તેના પર ભાર મૂકીને દૂતાવાસે જણાવ્યું હતું કે અમેરિકામાં પ્રવેશ એ કોઇનો હક બનતો નથી અને પ્રવેશ મેળવવા માટે અમેરિકન કાયદા અને નિયમોનું સતત પાલન કરવું પડે છે.
સોશિયલ મીડિયા X પરની એક પોસ્ટમાં યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે યુએસ કાયદાનો ભંગ કરવાથી તમારા સ્ટુડન્ટ વિઝા માટે ગંભીર પરિણામો આવી શકે છે. જો તમારી ધરપકડ થાય કે તમે કાયદાનું ઉલ્લંઘન કરશો તો વિઝા રદ થશે, તમને દેશનિકાલ કરવામાં આવી શકે છે અને તમે ભવિષ્યમાં યુએસ વિઝા માટે અયોગ્ય બની શકો છો.
નિયમોનું પાલન કરો અને તમારી મુસાફરીને જોખમમાં ન નાખો. યુએસ વિઝા એક વિશેષાધિકાર છે, અધિકાર નથી.
અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી ઇમિગ્રેશન પર તવાઈ ચાલે છે. નિયમોના પાલનની આકરી ચકાસણી થાય છે. યુએસ અધિકારીઓ વિદેશી નાગરિકોને દેશમાં અભ્યાસ કરતી વખતે અથવા નોકરી કરતી વખતે લિગલ સ્ટેટસ જાળવી રાખવાની વારંવાર ચેતવણીઓ આપી રહ્યાં છે.
26 ડિસેમ્બરથી ગ્રીન કાર્ડધારકો સહિત તમામ બિન-અમેરિકન નાગરિકોની બોર્ડર પોઇન્ટ પર ફરજિયાત બાયોમેટ્રિક તપાસ ચાલુ કરાઈ છે. આ નિયમ હેઠળ યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન અધિકારીઓએ એરપોર્ટ, લેન્ડ ક્રોસિંગ અને બંદરો પર દરેક પ્રવેશ અને બહાર નીકળવાના પોઇન્ટ પર બિન-અમેરિકન નાગરિકોના ફોટોગ્રાફ્સ લે છે.
આ નવો નિયમ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોથી લઇને 79 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો સહિત દેશમાં પ્રવેશતા કે બહાર નીકળતા તમામ બિન-યુએસ નાગરિકોને લાગુ પડે છે. બાયોમેટ્રિક સિસ્ટમનો હેતુ સુરક્ષા અને વિઝા-ઓવરસ્ટેની ચિંતાઓને દૂર કરવાનો છે. DHSએ જણાવ્યું હતું કે તે વ્યાપક દેખરેખ માટે નથી. જોકે ઘણા ટીકાકારો તેને સર્વેલાન્સ ગણાવે છે. અમેરિકા માટે બહાર નીકળતી વખતે બાયોમેટ્રિક સિસ્ટમ અગાઉ પસંદગીના બંદરો પર પાયલોટ ધોરણે લાગુ હતી. જોકે હવે તે ફરજિયાત બની છે.













