(ANI Photo)

એક આખું વિમાન ભરીને ભારતમાંથી અમેરિકા સહિતના દેશોમાં ઘુસણખોરી કરાવવાના એક કૌભાંડનો ફ્રાન્સમાં 21 ડિસેમ્બરે પર્દાફાશ થયો હતો. રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સની એક ચાર્ટર ફલાઈટ દુબઈથી નિકારાગુઆ માટે 303 મુસાફરો સાથે રવાના થઈ હતી. આ ફલાઈટનું 21 ડિસેમ્બરે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ટેકનિકલ સ્ટોપઓવર માટે લેન્ડિંગ કરાયું હતું. આખું પ્લેન ભરીને ગેરકાયદે ઘૂસણખોરી માટે લોકોને લઈ જવામાં આવતા હોવાનો અને પકડાયા હોવાનો ભારતનો આ સૌપ્રથમ કિસ્સો જણાય છે. પ્રાપ્ત માહિતી મુજબ આ પ્લેનના મુસાફરો પાસે નિકારાગુઆના તો સત્તાવાર વિઝા પણ હતા.

આ વિમાનમાં હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) થઇ રહ્યું હોવાની શંકાને પગલે ફ્રાન્સના સત્તાવાળાએ વિમાનને અટકાવી દીધું હતું અને તપાસ આદરી હતી. આશરે ચાર દિવસ પછી વિમાન મુક્ત કરાયું હતું અને તે 276 મુસાફરો સાથે 26 ડિસેમ્બરે મુંબઈમાં પરત આવ્યું હતું. બાકીના, અંદાજે 25 જેટલા લોકોએ ફ્રાન્સમાં રાજકીય આશ્રય માંગ્યો હતો. આ લોકોને ભારતનો શશી રેડ્ડી નામનો એજન્ટ નિકારાગુઆના માર્ગે અમેરિકામાં ઘુસાડવાના પ્રયાસમાં હોવાનું તેમજ તેણે જ આ ચાર્ટર્ડ વિમાન ભાડે કર્યું હોવાનું મનાય છે. આની પાછળ કોઇ વ્યવસ્થિત ટોળકી હોવાની શંકાના આધારે ફ્રાન્સની પોલીસે તપાસ કર્યા બાદ હવે ભારતની પોલીસે પણ તપાસ હાથ ધરી છે. આ પ્રવાસીઓમાં કેટલાક ગુજરાતીઓ પણ સામેલ હોવાથી ગુજરાત પોલીસ પણ તપાસમાં જોડાઇ છે.

વિમાનમાં ગુજરાતના 96 જેટલા લોકો હોવાનું એક સ્થાનિક અંગ્રેજી અખબારના અહેવાલમાં જણાવાયું છે. પાછા ફરેલા મુસાફરોની ગુજરાત પોલીસની સીઆઇડી ક્રાઇમે ગેરકાયદે ઇમિગ્રેશન નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પૂછપરછ કરી હતી. પોલીસની તપાસ હાલ ચાલુ છે.

જોકે, પાછળથી ફ્રાન્સમાં આશ્રય માગનાર 25 લોકો પણ ભારત પરત આવ્યા હતા અને તેમની પુછપરછ કરાઇ હોવાનું જાણવા મળે છે.

ફ્રાન્સમાં અટકાયતના સમયગાળા દરમિયાન વેટ્રી એરપોર્ટ પર 303 મુસાફરો માટે કામચલાઉ બેડની વ્યવસ્થા કરાઈ હતી. તેમને શૌચાલય અને શાવરની સુવિધા આપી હતી તથા ભોજન અને ગરમ પીણાંની વ્યવસ્થા કરી હતી. ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલના અધિકારીઓએ નિયમિતપણે તેમની મુલાકાત લીધી હતી. આ વિમાનની સફરની શરતો અને હેતુ અંગે ન્યાયિક તપાસ શરૂ ચાલુ કરાઈ હતી અને તેમાં શંકાસ્પદ માનવ તસ્કરીની તપાસ કરતી વિશેષ ટીમે પણ સામેલ થઈ હતી.

આ ઘટના બાદ લિજેન્ડ એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતા વકીલે જણાવ્યું હતું કે પ્લેનના ક્રૂને પૂછપરછ બાદ છોડી દેવાયો હતો.પૂર્વ ફ્રાન્સમાં વેટ્રી પેરિસથી લગભગ 150 કિમી દૂર આવેલું છે અને એરપોર્ટ મોટે ભાગે બજેટ એરલાઇન્સને સેવા આપે છે. પેરિસના સત્તાવાળાએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર કેટલાક મુસાફરો “માનવ તસ્કરીના શિકાર” હોવાની ગુપ્ત માહિતીને આધારે આ કાર્યવાહી કરાઈ હતી.

શુક્રવારે વેટ્રી એરપોર્ટ પર પ્લેન ઉતર્યા પછી જાણવા મળ્યું હતું કે મુસાફરોમાં 11 સગીર વયના હતા અને તેમની સાથે તેમના માતાપિતા કે વાલી નહોતાં. ફ્રાન્સમાં તમામ મુસાફરોને અટકાયત હેઠળ રાખવામાં આવ્યાં હતા. ભારતીય દૂતાવાસે વેર્ટી એરપોર્ટ પરના ભારતીયોના મુદ્દે ફ્રાન્સ સરકારનો સંપર્ક કર્યો હતો અને આ મામલાના ઝડપી ઉકેલ માટે પ્રયાસ કર્યાં હતા. એમ્બેસીના કોન્સ્યુલર સ્ટાફને એરપોર્ટ પર તૈનાત કરાયા હતા. વિમાનમાં ગુજરાતીઓ સિવાયના બાકીના મુસાફરોમાં મોટા ભાગના પંજાબના હોવાનું અને ગુજરાત પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ એજન્ટોએ અમેરિકામાં ઘૂસાડવા માટે લોકો પાસેથી રૂપિયા 40 લાખ કે એથી વધુ પૈસા લીધાનું તેમને જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

two × 5 =