અમેરિકા-કેનેડાની બોર્ડર પર તાજેતરમાં ગેરકાયદે પ્રવેશ કરતા પકડાયેલા સાત ભારતીયોને અમેરિકાથી પરત મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ તમામને બોર્ડર પેટ્રોલની કસ્ટડીમાંથી મુક્ત કરાતા હવે તેમને વતન પરત મોકલવામાં આવશે.
એક નિવેદનમાં જણાવ્યા મુજબ, ગત સપ્તાહે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારા તમામ સાત માઇગ્રન્ટ્સને પરત મોકલવાની પ્રક્રિયા ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ અંતર્ગત કરવામાં આવી રહી છે. આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ સાતમાંથી છ ભારતીય નાગરિકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે એક નાગરિકને માનવતાના ધોરણે મુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તમામ માઇગ્રન્ટ્સને બોર્ડર પેટ્રોલની કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેમને યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટને પછી જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાત ભારતીયોની તાજેતરમાં અમેરિકા-કેનેડા બોર્ડર પાસે અમેરિકન અધિકારીઓએ અટકાયત કરી હતી. આ ઘૂસણખોરી માટે 47 વર્ષીય સ્ટીવ શાન્ડ પર માનવ તસ્કરીનો આરોપ મુકવામાં આવ્યો છે. તેની 19 જાન્યુઆરીએ નોર્થ ડકોટામાં બોર્ડર નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. તે 15 મુસાફરો સાથે વેન ચલાવી રહ્યો હતો, અને તેમાં બે ભારતીયો હતા, જે અમેરિકામાં ગેરકાયદે રહે છે.