REUTERS/Francis Mascarenhas/File Photo

ભારતમાં સોમવાર, 22 સપ્ટેમ્બરથી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના ઘટાડેલા દરોનો પ્રારંભ થયો હતો. આની સાથે ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ, વીમા પોલિસી સહિતની આશરે 99 ટકા વસ્તુઓ ટેક્સ ફ્રી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં નવરાત્રીના શુભપર્વની સાથે વિવિધ વસ્તુઓના ઘટાડેલા ભાવને રૂ.2.5 લાખ કરોડનો જીએસટી બચત ઉત્સવ ગણાવ્યો હતો.

12 ટકાના GST સ્લેબ હેઠળ આવતી આશરે 99 ટકા વસ્તુઓ 5 ટકાના સ્લેબમાં આવશે. આ ઉપરાંત 28 ટકાના ટેક્સ સ્લેબમાં આવતી 90 ટકા વસ્તુઓ પણ 18 ટકાના ટેક્સ સ્લેબમાં આવશે.
સોમવારથી ઘી, પનીર, માખણ, નમકીન, કેચઅપ, જામ, ડ્રાયફ્રૂટ્સ, કોફી અને આઈસ્ક્રીમ જેવી સાર્વજનિક વપરાશથી લઇને ટીવી, એસી, વોશિંગ મશીન જેવી વસ્તુઓ પણ સસ્તી થશે. વિવિધ FMCG કંપનીઓએ પહેલાથી જ કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

મોટાભાગની દવાઓ અને ફોર્મ્યુલેશન તથા ગ્લુકોમીટર અને ડાયગ્નોસ્ટિક કીટ મેડિકલ ઇક્વિપમેન્ટના જીએસટી રેટને 5 ટકા કરાયો હોવાથી સામાન્ય માણસ માટે તબીબી સારવારનો ખર્ચ ઘટશે. આ ઉપરાંત સિમેન્ટ પરના ટેક્સને 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરાયો હોવાથી ઘર પણ સસ્તા થઈ શકે છે. સરકારે પહેલાથી જ ફાર્મસીઓને MRP સુધારવા અથવા ઓછા દરે દવાઓ વેચવાનો આદેશ આપ્યો છે.

જીએસટી દર ઘટાડાનો સૌથી મોટો ફાયદો ઓટોમોબાઈલ ખરીદનારાઓને થશે. નાની અને મોટી કાર માટે ટેક્સ દર અનુક્રમે 18 ટકા અને 28 ટકા કરાયો છે. ઘણી કાર કંપનીઓએ પહેલાથી જ કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સોમવારથી જીએસટી બે સ્તરીય બનશે. મોટાભાગની વસ્તુઓ પર 5 ટકા અને 18 ટકા ટેક્સ લાગુ પડશે. અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે GST સુધારાઓથી અર્થતંત્રમાં રૂ.2 લાખ કરોડ ઠલવાશે.

જીએસટીના નીચા રેટ્સના અમલની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સોમવારથી અમલી બની રહેલા જીએસટી સુધારા દેશની વૃદ્ધિગાથાને વેગ આપશે અને તે આત્મનિર્ભર ભારત માટેનું મોટું અને મહત્ત્વનું પગલું છે. લોકોને સ્વદેશી પ્રોડક્ટસ ખરીદવાનો અનુરોધ કરતાં પીએમ જણાવ્યું હતું કે આપણે દરેક ઘરને સ્વદેશીનું પ્રતીક બનાવવું પડશે. આપણે દરેક દુકાનને સ્વદેશી સામાનથી સજાવવી પડશે. 19 મિનિટના સંબોધનમાં મોદીએ જણાવ્યું હતું કે રૂ.12 લાખ સુધીની વાર્ષિક આવક પર આવકવેરામાં માફી આપ્યા પછી આગામી પેઢીના GST સુધારાઓનો અમલ નાગરિકો માટે ડબલ બોનાન્ઝા હશે, જે ખર્ચ ઘટાડીને અને બચત વધારીને તેમના સપનાઓને સાકાર કરવામાં મદદ કરશે. આ બેવડા નિર્ણયોથી નાગરિકો રૂ.2.5 લાખ કરોડ બચાવશે. આવતીકાલથી તે GST બચત ઉત્સવ હશે. તે દરેક પરિવારમાં ખુશીઓ લાવશે

LEAVE A REPLY