ANI_

બોલીવૂડમાં એવું કહેવાય છે કે, કરીના કપૂર ખાન કારકિર્દીની શરૂઆતથી પોતાની શરતો મુજબ કામ કરે છે. એ-ગ્રેડ સ્ટાર સાથે જ ફિલ્મ કરવાથી લઇને સ્ક્રિપ્ટ-ડાયરેક્શનમાં સૂચનો કરવાનું કરીનાને પસંદ છે. કરીનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, માત્ર સિક્સ પેક એબ્સ બતાવીને સારા એક્ટર બની શકાય નહીં. કરીનાએ આ વાત કરતી વખતે કોઈનું નામ લીધુ ન હતું. પરંતુ સલમાન, શાહરૂખ, ટાઈગર અને જોન અબ્રાહમ જેવા સ્ટાર્સ તરફ ઈશારો થયો હોવાનું લાગતું હતું.

કરીના કપૂરે નીપોટિઝમ વિવાદ વખતે હંમેશા બોલીવૂડને સમર્થન આપ્યું છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલ હિટ જતાં કરીનાએ જણાવ્યું હતું કે, બોલીવૂડના કપૂર ફેમિલીને રણબીર તરીકે સારો એક્ટર મળી ચૂક્યો છે. સ્ટાર બનવા માટે એક્ટિંગ આવડવી જોઈએ તે બાબતનો ઉલ્લેખ કરતાં કરીનાએ કહ્યું હતું કે, ઘણીવાર મને ઈચ્છા થાય છે કે, આ એક્ટર્સ પાસે જઈને કહું – અરે યાર ટી શર્ટ પહેરી લો. હું તમારી બાજુ જોતી પણ નથી. હવે બધું એક્ટિંગ પર નિર્ભર છે. સારા એક્ટર હોય તેવા લોકો વધારે ચાલે છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન, શાહરૂખ ખાન, જોન અબ્રાહમ અને ટાઈગર શ્રોફ ફિટનેસ માટે બહુ મહેનત કરે છે. પોતાના એક્શન સીક્વન્સને વધારે અસરકારક બતાવવા તેઓ ઘણી વાર શર્ટ લેસ થઈ જાય છે. થીયેટરમાં તેમના સિક્સ પેક એબ્સને ચાહકો તાળી અને સિટીથી વધાવી લેતા હોય છે. કરીનાનું માનવું છે કે, આ પ્રકારનો નુસખો લોકપ્રિયતા અપાવી શકે છે, પરંતુ સારા એક્ટર બનાવી શકે નહીં.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments