(ANI Photo/ PTV Grab)

સંસદમાં અવિશ્વાસ દરખાસ્ત રજૂ થયા પછી પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકાર થોડા દિવસોની જ મહેમાન હોય તેમ લાગે છે. ઇમરાન સરકારના ઘણા સહયોગી પક્ષો ગઠબંધનને તોડીને વિપક્ષમાં જઈને બેઠા છે અને ખુદ ઇમરાનની પાર્ટી તહેરિકે ઇન્સાફના 20થી 30 સાંસદોએ બળવો કર્યો છે. પોતાના રાજકીય જીવનના સૌથી મોટા પડકારનો સામનો કરી રહેલા ઇમરાન ખાને બુધવાર સાંજે રાષ્ટ્રજોગ સંબોધનની જાહેરાત કરી હતી. તેનાથી એવી અટકળોને વેગ મળ્યો હતો કે આજે ઇમરાન ખાન રાજીનામું આપશે.

જોકે સાંજ થતાં સ્થિતિમાં નાટકીય ફેરફાર થયો હતો અને વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનને રદ કરી દીધું હતું. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનની આર્મી વડા કમર જાવેદ બાજવા અને જાસૂસી એજન્સી આઇએસઆઇના વડા લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમ બુધવારે ઇમરાન ખાનને મળ્યા હતા અને આ મુલાકાત પછી ઇમરાને રાષ્ટ્રવ્યાપી સંબોધન કરવાનું ટાળ્યું હતું.

પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં અટકળો ચાલે છે કે આ બેઠકમાં એવું તે શું થયું કે ખુદ દેશના વડાપ્રધાને પોતાનો નિર્ણય બદલવો પડ્યો.બીજી તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ બુધવારે જણાવ્યું હતું કે વિદેશમાં રહેલા પાકિસ્તાનના રાજદૂતે તેમને ધમકીભર્યો પત્ર લખ્યો હતો. ઇમરાન ખાને 27 માર્ચે ઇસ્લામાબાદમાં એક જાહેરસભામાં આ પત્રનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ તે કોને લખ્યો હતો તેનો ફોડ પાડ્યો ન હતો. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર પત્રકારો સાથે વાતચીત કરતાં ઇમરાન ખાને કહ્યું હતું કે વિદેશના એક અધિકારીને મળ્યા બાદ રાજદૂતે પાકિસ્તાનને આ પત્ર મોકલ્યો હતો. સૂત્રોને ટાંકીને ન્યૂઝ રિપોર્ટમાં જણાવાયું હતું કે ઇમરાનખાને આ પત્રની જાણકારી આર્મીને આપી હતી અને તેની ભાષા ધમકીભરી હતી. રિપોર્ટ મુજબ ઇમરાન ખાને કહ્યું હતું કે સંસદના સત્ર દરમિયાન સાંસદોને આ પત્રની જાણકારી આપવામાં આવશે. જોકે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને ધ્યાનમાં રાખીને અમે તે દેશનું નામ જાહેર નહીં કરીએ, જેને પાકિસ્તાનને ધમકી આપી હતી.

સરકારના મંત્રી અસદ ઉમરે પત્રકારોને જણાવ્યું હતું કે આ પત્રમાં લખવામાં આવ્યું છે કે સંસદમાં અવિશ્વાસ દરખાસ્ત પાસ થઈ જશે તો પાકિસ્તાન માટે તમામ માફ કરવામાં આવશે. જો આ અવિશ્વાસ દરખાસ્ત નામંજૂર થશે તો પાકિસ્તાન માટે મુશ્કેલીમાં વધારો થશે.

27 માર્ચે ઇસ્લામાબાદમાં પોતાના પક્ષની જાહેર સભાને સંબોધન કરતાં ઇમરાને જણાવ્યું હતું કે તેમની સરકારને ગબડાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને તેમાં વિદેશી તત્વોનો હાથ છે. આ ષડયંત્રમાં આપણા કેટલાંક લોકોનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.મંગળવારે અસદ ઉમરે જણાવ્યું હતું કે નવાઝ શરીફએ વિદેશી તાકાતો સાથે હાથ મિલાવ્યો છે અને ઇમરાન ખાન સામેના ષડયંત્રમાં તેઓ સામેલ છે. નવાઝ શરીફ હાલમાં લંડનમાં છે

સંસદમાં ઇમરાન ખાનની સ્થિતિ કેવી છે

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 324 સાંસદો છે. સરકાર સામેની અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવા માટે 172 સભ્યોના ટેકાની જરૂર પડે છે. અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરનારા વિપક્ષે 172નું સંખ્યાબળ એકઠું કરવું પડે છે. તેથી ઇમરાન ખાને પોતાની પાર્ટીના સાંસદોને સૂચના આપી છે કે તેઓ ગૃહમાં ન આવે. ઇમરાનની પાર્ટી તહેરિકે ઇન્સાફ પાસે 155 સાંસદો છે. જોકે તેમાંથી 20થી 30 બળવાખોર છે. ઇમરાન ખાને પાકિસ્તાનની કોર્ટમાં અરજી દાખલ કરીને માગણી કરી છે કે પાર્ટીના વ્હિપનો ભંગ કરનારા સાંસદો પર આજીવન ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.

 

એકપણ વડાપ્રધાન પાંચ વર્ષ પૂરી કરી શક્યા નથી

પાકિસ્તાનમાં કોઇ વડાપ્રધાન પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.ઇમરાન ખાન સરકારને સાડા ત્રણ વર્ષ થયા છે. પરંતુ આ સરકાર પણ તૂટી પડે તેવી પૂરી સંભાવના છે. એવું માનવામાં આવે છે કે ઇમરાનખાન સરકાર આર્મીનો વિશ્વાસ ગુમાવી ચુકી છે. પાકિસ્તાનમાં સરકાર ટકાવી રાખવા માટે આર્મી મહત્ત્વની ગણાય છે. જે પ્રધાનમંત્રી આર્મીનો સપોર્ટ મળ્યો નથી તે વધુ ટકી શક્યા નથી.