REUTERS/Charlotte Greenfield

આર્થિક સંકટમાં ઘેરાયેલા પાકિસ્તાનમાં ગુરુવાર, આઠ ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણી પછી ત્રિશંકુ સંસદની રચના થઈ હોવાથી રાજકીય અરાજકતા પણ ઊભી થવાની શક્યતા છે. ઇમરાન ખાન અને ત્રણ વખતના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ બંનેએ ચૂંટણીમાં વિજયનો દાવો કરીને સરકાર રચવાની હિલચાલ કરી છે. તેનાથી આગામી સરકાર કોણ બનાવશે તે અંગે અનિશ્ચિતતા વધી રહી છે. પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામોમાં વિલંબ વચ્ચે ઈમરાન ખાનની આગેવાની હેઠળની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)એ રવિવારે ​​દેશવ્યાપી વિરોધનું એલાન આપ્યું હતું.

પાકિસ્તાનમાં ત્રિશંકુ સંસદનું નિર્માણ થયા પછી પાવરફુલ આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ગઠબંધન સરકારની રચના કરવાની પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દરખાસ્તને સમર્થન આપ્યું હતું. શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ ગઠબંધન સરકાર બનાવવાના પ્રયાસો ચાલુ કર્યા હતાં, પરંતુ આ બંને પક્ષો ભેગા થાય તો પણ તેમણે બીજા નાના પક્ષો અને અપક્ષોના સમર્થનની જરૂર પડશે.

ચૂંટણીમાં આશ્ચર્યજનક રીતે જેલમાં બંધ ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પક્ષ દ્વારા સમર્થિત અપક્ષોએ નેશનલ એસેમ્બલીમાં 102 બેઠકો પર વિજયી મેળવીને બાજી મારી હતી. શરીફની PML-Nને 73 બેઠકો, બિલાવલ ભુટ્ટોની PPPને 54, મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM)ને 17 અને બીજા નાના પક્ષોને 11 બેઠકો મળી હતી. નેશનલ એસેમ્બલીની કુલ 265માંથી હજુ 255 બેઠકોના પરિણામ જાહેર થયા છે. સરકાર બનાવવા માટે 265માંથી 133 સભ્યોનું સંખ્યાબળ જરૂરી છે.

શનિવારે જનરલ મુનીરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના લોકોએ પાકિસ્તાનના બંધારણમાં તેમનો સંયુક્ત ભરોસો મૂક્યો છે અને હવે તમામ રાજકીય પક્ષોએ રાજકીય પરિપક્વતા અને એકતા દર્શાવવી જરૂરી છે. રાષ્ટ્રને અરાજકતા અને ધ્રુવીકરણની રાજનીતિમાંથી આગળ વધવા માટે સ્થિર હાથ અને હીલિંગ ટચની જરૂર છે. અહીં ઉલ્લેખનીય છે કે આર્મી ચીફના આ નિવેદનનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે પાકિસ્તાનના 75 વર્ષના ઇતિહાસમાં અડધા કરતાં વધુ વર્ષો સુધી આર્મીએ રાજ કર્યું છે.

દરમિયાન AI-જનરેટેડ ઓડિયો-વિડિયો સંદેશમાં ઇમરાન ખાને ચૂંટણીમાં જીતનો દાવો કર્યો હતો. પીટીઆઈને મતદાન કરવા બદલ લોકોનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે લોકોએ સુનિશ્ચિત કરવું જોઇએ કે તેમના મતની પવિત્રતા હાઈજેક ન થાય. પીટીઆઈના સેન્ટ્રલ ઈન્ફોર્મેશન સેક્રેટરી રાઉફ હસને ચેતવણી આપી હતી કે લોકોના નિર્ણયને પલટી નાંખવાના કોઈપણ પ્રયાસના ઘાતક પરિણામો આવશે. આર્મીએ લોકોની પસંદગીનો આદર કરવાનું શીખવું જોઈએ.

 

LEAVE A REPLY

9 + 7 =