જુનાગઢ જિલ્લાના રહેણાંક વિસ્તારોમાં, શનિવાર, 22 જુલાઇ, 2023ના રોજ અવિરત વરસાદના કારણે ભારે પૂર આવતાં ઢોર પાણીના ભારે પ્રવાહમાં તણાઇ ગયા હતા. (PTI Photo)

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી ભારેથી અતિ ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદનો રેડ એલર્ટ જારી કર્યો હતો. રવિવાર (22 જૂન) સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં જૂનાગઢ શહેરમાં 241 મીમી (આશરે 10 ઇંચ) વરસાદ નોંધાતા સૌથી વધુ નુકસાન થયું હતું. જૂનાગઢમાંથી લગભગ 3,000 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. શહેરના રહેણાક વિસ્તારમાં લોકોએ અત્યાર સુધી ક્યારે ન જોઈ હોય તેવી આફત જોઈ હતી.

શહેરમાં ભારે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી અને અચાનક પૂરના કારણે કારો એકબીજા પર ઢગલા થઈ ગઈ હતી. ગિરનાર પર્વત પરથી આવેલા ફ્લેશ ફ્લડને કારણે વાહનો અને પશુઓ વહી ગયા હતા. ગુજરાતમાં શનિવારે પૂરને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો, 10 રાજ્ય ધોરીમાર્ગો અને 300 ગ્રામીણ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા અને પાણી ઓસર્યા હતા ત્યાંથી વાહનવ્યવહાર ફરી શરૂ થયો હતો.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી પાસે દીવાલ ધરાશાયી થવાના કારણે 45 વર્ષીય સુરેશ ખીમાભાઈ નામની વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) સહિત સત્તાવાળાઓ લોકોને બહાર કાઢવા અને વરસાદ બંધ થઈ ગયેલા વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી હતી. કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે તણાઈ ગયેલા અને નુકસાન પામેલા વાહનોને દૂર કરવા માટે ક્રેનો તૈનાત કરવામાં આવી હતી. સત્તાવાળાઓ રહેણાંક વિસ્તારોમાં જમા થયેલા પાણીને દૂર કરવા માટે ડીવોટરિંગ પંપનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો.

જૂનાગઢ શહેરમાં અને ગિરનાર ઉપર શનિવારે 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા કાળવા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જૂનાગઢ શહેરના રસ્તાઓ પર થોડા કલાકો માટે જમીન ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. દરિયા અને નદીમાં જે રીતે બોટ તરતી હોય તે રીતે રસ્તાઓ પર મોટરકાર, વાહનો અને પશુઓ તરતા જોવા મળતા લોકો ડઘાઈ ગયા હતા. લોકોનાં ઘરમાં પણ પાંચ-પાંચ ફૂટ પાણી ઘૂસી જતાં તમામ ઘરવખરી પલળી ગઈ હતી.

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કલેક્ટર દ્વારા કલમ 144નું જાહેરનામું બહાર પડાયુ હતું અને લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ હતી. જૂનાગઢ શહેરનાં પ્રવાસન સ્થળો પર પણ પ્રતિબંધ મુકાયો હતો. લોકોને ડેમ અને ચેકડેમથી દૂર રહેવા અપીલ કરાઈ હતી.

LEAVE A REPLY

one × five =