પૂર્વ અને મધ્ય ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મેઘમહેર જોવા મળી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન પંચમહાલ અને આણંદ જિલ્લામાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલના જામ્બુઘોડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે, છોટા ઉદેપુરના જેતપુર પાવી તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
તાલુકા મુજબ ગત ૨૪ કલાકમાં આણંદના પેટલાદ અને વલસાડના કપરાડા તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, આણંદ જિલ્લાના તારાપુર, બોરસદ અને આણંદ તાલુકામાં, પંચમહાલના હાલોલ તેમજ ભરૂચના ઝઘડિયા તાલુકામાં પણ બે-બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના ૯ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૬૩ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૫ જિલ્લાના ૮૧ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૪ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં આ સીઝનનો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો છે.
