(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 12 જાન્યુઆરીએ મુંબઈમાં દેશના સૌથી લાંબા દરિયાઇ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ બ્રિજનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યું છે. અટલ સેતુ એ 21.8-કિલોમીટર લાંબો પુલ છે જે મુંબઈમાં સેવરી અને રાયગઢ જિલ્લામાં ન્હાવા શેવા વિસ્તારને જોડે છે. આ પુલને કારણે બંને સ્થાનો વચ્ચેની મુસાફરી વર્તમાન બે કલાકથી ઘટીને લગભગ 15-20 મિનિટ થઈ જશે.

આ સમુદ્ર પર બનેલો ભારતનો સૌથી લાંબો પુલ છે. આ બ્રિજના નિર્માણમાં એવી કેટલીય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો ભારતમાં અત્યાર સુધી ઉપયોગ થયો નથી. આ બ્રિજમાં વપરાતી લાઇટો જળચર વાતાવરણને ખલેલ પહોંચાડશે નહીં.

ડિસેમ્બર 2016માં વડાપ્રધાન મોદીએ પુલનો શિલાન્યાસ કર્યો હતો. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં ઐતિહાસિક સીમાચિહ્નરૂપ તરીકે, અટલ સેતુ નામ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ 17,840 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

આ પુલ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતમાં મુસાફરીનો સમય પણ ઘટાડશે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે. વડાપ્રધાન મોદીએ ‘ઈસ્ટર્ન ફ્રીવેઝ ઓરેન્જ ગેટ’ ને મરીન ડ્રાઈવથી જોડતી રોડ ટનલનો શિલાન્યાસ પણ કર્યો હતો.

LEAVE A REPLY

16 − eight =