. (ANI Photo)

રવિવારે (12 જુન) ઓડિશાના કટકમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં પણ સાઉથ આફ્રિકાએ ભારતને ચાર વિકેટે હરાવી પાંચ મેચની સીરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. પહેલી મેચમાં ગુરૂવારે પ્રવાસી ટીમે ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. બન્ને મેચમાં ભારતે પહેલા બેટિંગ લીધી હતી.

રવિવારની મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. ભારતીય ઈનિંગની શરૂઆત જ નબળી રહી હતી અને ઋતુરાજ ગાયકવાડ પહેલી જ ઓવરમાં એક રન કરી વિદાય થયો હતો. એ પછી, બીજો ઓપનર ઈશાન કિશન પણ 34 રન કરી વિદાય થયો ત્યારે ભારત હજી 50 રને પણ પહોંચ્યું નહોતું. એ પછી પણ નિયમિત અંતરે ભારત વિકેટ ગુમાવતું રહ્યું હતું અને એકંદરે 20 ઓવરમાં 6 વિકેટે ફક્ત 148 રન સુધી જ પહોંચી શક્યું હતું. શ્રેયસ ઐયરના 40, ઈશાન કિશનના 34 અને દિનેશ કાર્તિકના અણનમ 30 ભારતીય ખેલાડીઓનું નોંધપાત્ર પ્રદાન રહ્યું હતું, ખાસ કરીને કાર્તિકે 21 બોલમાં કરેલી ઝમકદાર ફટકાબાજી ભારતને થોડા સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની રહી હતી.

એ પછી, સાઉથ આફ્રિકાની ઈનિંગની શરૂઆત તો ભારત કરતાં પણ વધુ ખરાબ રહી હતી અને ભૂવનેશ્વર કુમારે પોતાની પહેલી બે ઓવરમાં એક-એક વિકેટ લઈ સનસનાટી મચાવી દીધી હતી. ભૂવીએ લાંબા સમય પછી વેધક બોલિંગ કરી એકંદરે પોતાના ચારેય ઓવરના ક્વોટામાં દરેક ઓવરમાં એક શિકાર ઝડપી એકંદરે 31 રનમાં ચાર વિકેટ ખેરવી હતી. તેમાંથી પણ પહેલી ત્રણે વિકેટ તો એના નામે જ હતી. પણ એ પછી ચોથી વિકેટની ભાગીદારીમાં પ્રવાસી ટીમના સુકાની ટેમ્બા બવુમા અને હેનરીક ક્લાસેને 64 રન ઉમેરી ટીમને વિજયના માર્ગે મુકી દીધી હતી. પણ યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યા બોલિંગમાં બહુ મોંઘા સાબિત થયા હતા, ચહલે ચાર ઓવરમાં 49 રન આપી એક વિકેટ લીધી હતી, તો હાર્દિક ત્રણ ઓવરમાં 31 રન આપી એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. એકંદરે સાઉથ આફ્રિકા 19માં ઓવરમાં 6 વિકેટ ગુમાવી પોતાની 149 રનની વિજયની મંઝિલે પહોંચી ગયું હતું.

46 બોલમાં પાંચ છગ્ગા અને સાત ચોગ્ગા સાથે 81 રન કરનારા ક્લાસેનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

પ્રથમ ટી-20: દિલ્હીમાં ગુરૂવારે રમાયેલી પ્રથમ ટી-20 ભારતનો 7 વિકેટે પરાજય થયો હતો. બવુમાએ ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ લેવા જણાવ્યું હતું. કે. એલ. રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે સમગ્ર સીરીઝમાં રમી શકે તેમ નહીં હોવાથી તેના સ્થાને ઋષભ પંતને સુકાનીપદ સોંપાયું હતું. ભારત તરફથી પ્રથમ મેચમાં તો આકર્ષક ફટકાબાજી સાથે ચાર વિકેટે 211 રનનો જંગી સ્કોર ખડકી દેવાયો હતો. ઓપનર્સ ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને પાવર પ્લેમાં જ શાનદાર બેટિંગ સાથે અડધી સદીની ઓપનિંગ ભાગીદારીનો ફાળો અપાયો હતો. જો કે, ગાયકવાડ 15 બોલમાં 23 રન કરી આઉટ થયો હતો, પણ ઈશાન કિશને 48 બોલમાં 76 રન સાથે જંગી સ્કોરનો પાયો નાંખ્યો હતો. એ પછી ઐયરે 36, પંતે 29 અને હાર્દિક પંડ્યાએ અણનમ 31 રન કર્યા હતા. ભારતે એકંદરે ચાર વિકેટે 211 રન કર્યા હતા.

પણ સાઉથ આફ્રિકાએ રેકોર્ડ રનચેઝમાં 19.1 ઓવરમાં ફક્ત ત્રણ વિકેટે 212 રન કરી વિજય હાંસલ કર્યો હતો. પ્રવાસીઓએ નવમી ઓવરમાં 81 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી ત્યારે તો વિજયની શક્યતા એટલી પ્રબળ નહોતી લાગતી પણ એ પછી રાસી વાન ડર ડુસેએ અણનમ 75 અને ડેવિડ મિલરે અણનમ રન કરી રેકોર્ડ વિજયમાં ફાળો આપ્યો હતો. વાન ડર ડુસેને શ્રેયસ ઐયરે આપેલું જીવતદાન ભારતને ખૂબજ મોંઘું પડ્યું હતું. ફક્ત 31 બોલમાં અણનમ 64 રન બદલ મિલરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.