Birmingham to Amritsar

ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો અને વેકેશનની શરૂઆત થઇ હોવાથી એર ટ્રાવેલિંગ કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં લગભગ 1.06 કરોડ સ્થાનિક પેસેન્જર્સે હવાઇ મુસાફરી કરી છે, જે ફેબ્રુઆરીના ૭૬.૯૬ લાખ પેસેન્જર્સની તુલનામાં ૩૮ ટકા વૃદ્ધિ દર્શાવે છે. માર્ચમાં ખાનગી ક્ષેત્રની તમામ ભારતીય એરલાઇન્સનો પેસેન્જર લોડ ફેક્ટર અથવા ઓક્યુપન્સી રેટ ૮૦ ટકા ઉપર રહ્યો હતો.
સ્પાઇસજેટ, ઇન્ડિગો, વિસ્ટારા, ગો ફર્સ્ટ, એર ઇન્ડિયા અને એરએશિયા ઇન્ડિયાનું લોડ ફેક્ટર અનુક્રમે ૮૬.૯ ટકા, ૮૧ ટકા, ૮૬.૧ ટકા, ૮૧.૪ ટકા, ૮૫ ટકા અને ૮૧.૩ ટકા રહ્યા હતા. સરકારની માલિકીની એલાયન્સ એરનું લોડ ફેક્ટર માર્ચમાં ૭૪ ટકાના સ્તરે હતું. ઉલ્લેખનીય છે કે, કોરોનાના નિયંત્રણને કારણે છેલ્લા બે વર્ષમાં એવિએશન સેક્ટર પર નોંધપાત્ર અસર થઈ હતી. માર્ચમાં ૫૮.૬૧ લાખ પેસેન્જર્સે ઇન્ડિગોમાં મુસાફરી કરી હતી. DGCAના જણાવ્યા અનુસાર સૂચિત સમયમાં ઇન્ડિગોનો બજાર હિસ્સો ૫૪.૮ ટકા રહ્યો છે. ગો ફર્સ્ટ ૧૦.૪૪ લાખ પેસેન્જર્સ સાથે બીજા ક્રમે રહી હતી. સ્પાઇસજેટમાં ૧૦.૨૧ લાખ અને એર ઇન્ડિયામાં ૯.૩૬ લાખ પેસેન્જર્સે મુસાફરી કરી હતી. વિસ્તારા, એર એશિયા ઇન્ડિયા અને એલાયન્સ એરમાં ગયા મહિને અનુક્રમે ૮.૯ લાખ, ૬.૯૮ લાખ અને ૧.૪૫ લાખ પેસેન્જર્સે મુસાફરી કરી હતી.