ભારતમાં ઘણાં મોટા થર્મલ પાવર પ્લાન્ટ કોલસાની અછતનો સામનો કરી રહ્યા છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના તાજેતરના અહેવાલ મુજબ, 19 એપ્રિલ, 2022 સુધી, દેશના લગભગ 30 ટકા થર્મલ પાવર પ્લાન્ટમાં 10 ટકા અથવા તેનાથી ઓછો કોલસો છે. પરિણામે દેશના ઘણા રાજ્યોમાં માગ વધવાને કારણે વીજ પૂરવઠા પર ખરાબ અસર પડી રહી છે. દેશમાં કોલસાનું સંકટ ઘેરું બની રહ્યું છે. ઉનાળામાં વીજળીની માંગ વધી રહી છે પરંતુ કોલસાની અછતને કારણે વીજળીનું ઉત્પાદન ખોરવાઈ રહ્યું છે.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના તાજેતરના દૈનિક કોલ સ્ટોક રિપોર્ટ અનુસાર, 19 એપ્રિલ 2022ના રોજ, દેશના 164 મોટા થર્મલ પાવર પ્લાન્ટમાંથી 27 થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનો માત્ર 5 ટકા સુધી જ જરૂરી સ્ટોક બચ્યો હતો જ્યારે 21 થર્મલ પાવર પ્લાન્ટમાં 6થી 10 ટકા નોર્મેટીવ સ્ટોક સામે કોલસાનો સ્ટોક બાકી હતો. ટૂંકમાં, દેશના 164 મોટા થર્મલ પાવર પ્લાન્ટમાંથી 48 પાસે 10 ટકાથી કે તેથી પણ ઓછો કોલસો બચ્યો હતો.
દેખીતું છે કે કોલસાની કટોકટી વધી રહી છે અને સાથે સાથે તેનો સામનો કરવાનો પડકાર પણ ઘેરો બની રહ્યો છે. કોલસાની કટોકટી એવા સમયે ઊભી થઈ છે જ્યારે દેશમાં વધતી જતી ગરમી અને આર્થિક ગતિવિધિઓમાં ઝડપી વધારાને કારણે વીજળીની માંગ પણ વધી રહી છે. કોલસા મંત્રાલયના જણાવ્યા અનુસાર કોલસાની આયાતમાં ઘટાડો પણ કોલસા સંકટ પાછળનું સૌથી મોટું કારણ છે.
કોલસા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં કોલસાની કુલ જરૂરિયાતના 20 ટકા કરતાં થોડી વધુ જરૂરિયાત ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. તાજેતરના મહિનાઓમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો વધુ મોંઘો થયો છે, જેના કારણે કોલસાની આયાતકારોએ આયાતમાં ઘટાડો કર્યો છે. જોકે, હાલના સમયમાં કોલ ઈન્ડિયા અને તેની સહાયક કંપનીઓએ કોલસાનું ઉત્પાદન વધાર્યું છે.