યુકે સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે, કોરોના વાઈરસના રોગચાળાના પગલે ભારતમાં પ્રવાસ નિયંત્રણો જાહેર કરાયા પછી ત્યાં ફસાઈ ગયેલા બ્રિટિશ નાગરિકોને વતન પાછા લાવવા માટે યુકે સરકાર આગામી સપ્તાહમાં વધુ 17 ચાર્ટર ફલાઈટ્સ ઓપરેટ કરશે, જેની કુલ ક્ષમતા લગભગ 4,000 પ્રવાસીઓની રહેશે. ભારતના અલગ અલગ રાજ્યોમાં ફસાઈ ગયેલા લગભગ 20,000 બ્રિટિશ નાગરિકોને વતન પાછા લાવવા માટે બ્રિટિશ સરકાર સ્પેશિયલ ફલાઈટ્સની વ્યવસ્થા કરવાનું આયોજન ધરાવે છે.

શુક્રવારે જાહેર કરાયેલી 17 ફલાઈટ્સમાં અમદાવાદથી 20, 22, 24 અને 26 એપ્રિલે, અમૃતસરથી 21, 23, 25 અને 27 એપ્રિલે, બેંગલુરૂથી (અમદાવાદ થઈને) 23 એપ્રિલે, દિલ્હીથી 21, 23, 25 અને 27 એપ્રિલે, ગોવાથી 20, 22, અને 24 એપ્રિલે તથા મુંબઈથી 26 એપ્રિલે રવાના થશે.

આ ફલાઈટ્સમાં એવા લોકો સીટ્સ માટે પ્રાયોરિટી અપાશે, જેમને વતન પાછા ફરવાની જરૂરત ખૂબજ તાકિદની હોય, તેમની સ્થિતિ વિવિધ દ્રષ્ટિએ નાજુક હોય. આ સાથે, ભારતથી સંચાલિત ચાર્ટર્ડ ફલાઈટ્સની સંખ્યા 38 થશે. મોટી સંખ્યામાં બ્રિટિશ નાગરિકોએ પાછા જવા માટે નોંધણી કરાવી છે અને તે સંદર્ભમાં આ બધી ફલાઈટ્સમાં લગભગ વેઈટલિસ્ટેડ પ્રવાસીઓનો જ સમાવેશ થશે, એમ બ્રિટિશ હાઈકમિશનના એક નિવેદનમાં જણાવાયું હતું.

બ્રિટનના સાઉથ એશિયા માટેના મિનિસ્ટર લોર્ડ તારિક એહમદે જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે બ્રિટિશ પ્રવાસીઓ માટે આ ઘણો મુશ્કેલીનો સમય છે અને આ રીતે વતન પાછા ફરવા ઈચ્છતા લોકોની આવી ફલાઈટ્સ માટેની ડીમાન્ડ ઘણી મોટી છે. આ કામગીરી ઘણી વિરાટ અને લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ ઘણી અટપટી, ગૂંચવાડાભરી હોય છે, અમે ભારત સરકાર તેમજ ત્યાંની રાજ્ય સરકારો સાથે પણ સંપર્કમાં રહીને અથાક પ્રયત્નો કરી રહ્યા છીએ કે વધુ ને વધુ બ્રિટિશ નાગરિકોને વતન પાછા લાવી શકાય.”

ભારતમાં એક્ટિંગ બ્રિટિશ હાઈ કમિશનર જેન થોમ્પસને કહ્યું હતું કે, “અમને જાણ હોય કે ચોક્કસ શહેરો કે પ્રદેશોમાં મોટી સંખ્યામાં બ્રિટિશ નાગરિકો અટવાયેલા છે ત્યાંથી વધારાની ફલાઈટ્સ માટે વ્યવસ્થા કરવા અમે ચોવીસે કલાક કાર્યરત છીએ અને ભારત સરકાર તેમજ જે તે રાજ્યોની સરકાર તરફથી અમને જે રીતે સમર્થન મળી રહ્યું છે તે બદલ અમે તેમના આભારી છીએ.”

અગાઉ જાહેર થયેલી 21 ચાર્ટર ફલાઈટ્સ 20મી એપ્રિલ સુધીની હતી અને તેમાં લગભગ 5,000 નાગરિકો બ્રિટન પાછા ફરશે. ચાર્ટર ફલાઈટ્સ યુકેના જ પ્રવાસીઓ માટે છે, જેઓ સામાન્ય રીતે પોતે અને તેમના સીધા આશ્રિતો બ્રિટનમાં વસે છે. યુકે સરકારને આ ચાર્ટર ફલાઈટ્સની ટિકિટ અંદાજે £537 થી £591 જેટલી રહેશે. ભારત સરકારે અત્યાર સુધીમાં 48 દેશોના લગભગ 35,000 નાગરિકોને તેમના વતન પાછા જવામાં સહાય કરી છે.