ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે, આ સ્થિતિની અસર દેશના વેપાર જગત પર પડી છે. આ અંગે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે ભારત સરકાર અને તમામ રાજ્ય સરકારો જણાવ્યું છે કે, કોરોનાથી બચવા માટે તમામ પગલા ભરવા જોઈએ પણ સાથે સાથે વેપારી પ્રવૃત્તિઓ અને આર્થિક ગતિવિધિઓ ચાલતી રહે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તો વધારે સારું રહેશે. આ અંગે સંસ્થાના પ્રેસિડેન્ટ બી સી ભરતીયા અને સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, વિવિધ પ્રકારના પ્રતિબંધો લાગુ થયા પછી છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં વેપારમાં 45 ટકાનો ઘટાડો થયો છે. શહેર બહારથી કોઇ ખરીદી કરવા આવતું નથી અને રિટેલ ખરીદી પર પણ અસર થઇ રહી છે. સંસ્થા દ્વારા 36 શહેરોમાં વેપારીનો સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં જાણવા મળ્યુ છે કે, વેપારમાં 45 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જેના માટે કોરોનાની ત્રીજી લહેરને જવાબદાર માનવામાં આવે છે. વેપારીઓ પાસે નાણાની અછત અને ઉધારમાં ફસાયેલા નાણા જેવા કારણો જવાબદાર છે.