ફાઇલ ફોટો Evan Vucci/Pool via REUTERS

બન્ને દેશોએ ટોચના ડીપ્લોમેટની સામસામી હકાલપટ્ટી કરી

અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા પણ ઘટનાક્રમથી ચિંતિત  

ખાલિસ્તાની ઉગ્રવાદના મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો મંગળવાર, 19 સપ્ટેમ્બરે વણસીને નવા નિમ્ન સ્તરે ઉતરી ગયા હતા. ભારત સરકારના એજન્ટો ઉપર ખાલિસ્તાનની ઉગ્રવાદી અને કેનેડાના નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો ગંભીર આરોપ મુકી કેનેડાએ ભારતના એક ટોચના રાજદૂતની હકાલપટ્ટી કરી હતી. ભારતે પણ વળતા પગલાં તરીકે ભારત ખાતેના કેનેડાના એક વરિષ્ઠ રાજદૂતને પાંચ દિવસમાં દેશ છોડવાની તાકીદ કરી હતી.  

અગાઉના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેમની સરકાર પાસે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં “ભારત સરકારના એજન્ટો”ની સંડોવણીના “વિશ્વસનીય પુરાવા” છે. ભારત સરકારે આ આરોપ “વાહિયાત અને પ્રેરિત” ગણાવીને નકારી કાઢ્યો હતો. કેનેડાએ આવો આક્ષેપ કરીને એક વરિષ્ઠ ભારતીય રાજદૂતની હકાલપટ્ટીનું ફરમાન કર્યું હતું. આ રાજદૂત પવન કુમાર રાય કેનેડામાં ભારતની જાસૂસી સંસ્થા રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના વડા હોવાનું કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ કહ્યું હોવાનું કેનેડાના બ્રોડકાસ્ટર સીબીસીએ જણાવ્યું હતું. ભારતે પણ વળતા પ્રહારમાં જેવા સાથે તેવાનો અભિગમ દર્શાવી મંગળવારે સવારે કેનેડાના એક વરિષ્ઠ રાજદૂતને ભારતની આંતરિક બાબતોમાં દખલ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીનો આરોપ મૂકીને હાંકી કાઢ્યા હતાં. ભારતે પણ ઓલિવિયર સીલ્વેસ્ટરને કેનેડિયન ગુપ્તચર એજન્સીના વરિષ્ઠ અધિકારી ગણાવી તેને પાંચ દિવસમાં ભારત છોડી જવાનું ફરમાન કર્યું હતું. આ નિર્ણયની જાણ ભારતમાં કેનેડિયન હાઈકમિશનના વડાને કરાઈ હતી. 

દિલ્હીમાં તાજેતરમાં જી-20 સમીટ પછી ભારત અને કેનેડાના સંબંધો વધુ તંગ બન્યાં હતા. G20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહનને મુદ્દે કેનેડિયન વડાપ્રધાનક્ષ જસ્ટિન ટ્રુડોને ખખડાવ્યાં હતા. આ પછી કેનેડાએ ભારતમાં ઓક્ટોબરમાં જનારા તેના ટ્રેડ મિશનની યાત્રા મોકૂફ રાખી હતી. 

કેનેડાની સંસદના ઇમર્જન્સી સેશનમાં વડાપ્રધાન ટુડ્રોએ જણાવ્યું હતું કે “કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની કોઈપણ સંડોવણી આપણા સાર્વભૌમત્વનું અસ્વીકાર્ય ઉલ્લંઘન છે. તે મુક્તખુલ્લા અને લોકશાહી સમાજજીવનના મૂળભૂત નિયમોની વિરુદ્ધ છે.”  

ભારત સરકારે કેનેડિયન વડાપ્રધાનના આક્ષેપોને “સંપૂર્ણપણે નકારી કાઢ્યા” હતા અને કહ્યું હતું કે કેનેડાના રાજકીય નેતાઓ “આવા તત્વો” માટે ખુલ્લેઆમ સહાનુભૂતિ વ્યક્ત કરે તે ઊંડી ચિંતાનો વિષય છે.  

ભારતના વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યું હતું કે “આવા આધારહીન આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓની ગતિવિધિઓ ઉપરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. આ તત્ત્વોને કેનેડામાં આશ્રય અપાયો છે અને તે ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સતત જોખમમાં મૂકે છે. આ બાબતે કેનેડિયન સરકારની લાંબા સમયની નિષ્ક્રિયતા સતત ચિંતાનો વિષય છે.” 

 

LEAVE A REPLY

five × one =