કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે સોમવારે, 13 ઓક્ટોબરે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. (@narendramodi X/ANI Photo)

નવી દિલ્હીમાં ભારત અને કેનેડા વચ્ચેના વિદેશ પ્રધાનોની સોમવાર, 13 ઓક્ટોબરે બેઠક પછી બંને દેશોએ વેપાર, રોકાણ, મહત્વપૂર્ણ ખનિજો, ઊર્જા અને નાગરિક પરમાણુ સહયોગના ક્ષેત્રોમાં સંબંધોને આગળ વધારવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ તૈયાર કર્યો હતો.

જયશંકરે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં ભારત-કેનેડા દ્વિપક્ષીય સંબંધો સતત આગળ વધી રહ્યા છે. અમે અમારી ભાગીદારીને આગળ વધારવા માટે જરૂરી પદ્ધતિઓને પુનઃસ્થાપિત કરવા અને તેને પુનર્જીવિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. આજની અમારી બેઠક માટે બંને પક્ષોએ વેપાર, રોકાણ, કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, નાગરિક પરમાણુ સહયોગ, AI, મહત્વપૂર્ણ ખનિજો અને ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં અમારા સહયોગને આગળ વધારવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ તૈયાર કર્યો છે

કેનેડિયન શીખ અલગતાવાદીની હત્યાને કારણે તંગ બનેલા સંબંધોને બંને દેશો સુધારવા માગે છે.ભારતની મુલાકાતે આવેલા કેનેડાના વિદેશ પ્રધાન અનિતા આનંદે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સમકક્ષ સુબ્રમણ્યમ જયશંકર સાથે બેઠક યોજી હતી.

બંને વિદેશ પ્રધાનોની બેઠક પછી સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે બંને દેશો મહત્વપૂર્ણ ખનિજો, વેપાર અને કૃષિ જેવા ક્ષેત્રોમાં સહયોગ કરવા સંમત થયા છે. આ ભાગીદારીને પુનર્જીવિત કરવાથી માત્ર આર્થિક સહયોગ વધારવાની તકો જ નહીં, પણ બદલાતા વૈશ્વિક જોડાણોથી ઊભા થતા જોખમોને ઘટાડવામાં પણ મદદ મળશે. અહીં ઉલ્લેખનીય છે ભારત અને કેનેડા બંને દેશો અમેરિકાની ઊંચી ટેરિફનો સામનો કરી રહ્યાં છે.

જયશંકર સાથેની મુલાકાતમાં પોતાની શરૂઆતની ટિપ્પણીમાં અનિતા આનંદે જણાવ્યું હતું કે આપણી બંને સરકારો સંબંધોને આગળ વધારવાના મહત્વ પર સંમત છે.

2023માં તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નવી દિલ્હી પર કેનેડિયન શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ નવી દિલ્હી અને ઓટાવા વચ્ચેના સંબંધો લગભગ બે વર્ષ સુધી તણાવપૂર્ણ રહ્યા હતાં.આ વર્ષે જૂનમાં, ટ્રુડોના અનુગામી માર્ક કાર્નીએ કેનેડાના આલ્બર્ટાના કનાનાસ્કિસમાં G7 સમિટમાં દરમિયાન મોદી સાથે બેઠક યોજી હતી.

LEAVE A REPLY