
આગામી ચૂંટણીઓમાં લેબર નેતા કેર સ્ટાર્મર સહિત વરિષ્ઠ રાજકારણીઓનો મુસ્લિમો “રાજકીય રીતે શિરચ્છેદ” કરી શકે છે તેવો નિવેદન આપીને ગ્રીન પાર્ટીના વરિષ્ઠ અધિકારી અને ચૂંટણી સંયોજક ફૈઝ હસન ટીકાનો સામનો કરી રહ્યા છે.
માન્ચેસ્ટર સિનાગોગ પરના આતંકવાદી હુમલામાં બે યહુદીઓના મોત થયાના 24 કલાક પછી હસને બોર્નમથમાં ગ્રીન પાર્ટી કોન્ફરન્સ દરમિયાન મુસ્લિમ ગ્રીન્સની બેઠકમાં આ ટિપ્પણી કરી હતી.
હસને સ્ટાર્મરના હોલબર્ન અને સેન્ટ પેનક્રાસ, ટોટનહામ અને ઇલ્ફર્ડ નોર્થ સહિતના મુખ્ય મતવિસ્તારોમાં મુસ્લિમ મતદારોના પ્રભાવ પર પ્રકાશ પાડી કહ્યું હતું કે ‘’મુસ્લિમ સમુદાય સ્ટાર્મર, ડેવિડ લેમી અને વેસ સ્ટ્રીટિંગ જેવા રાજકારણીઓને “નાબૂદ” કરવામાં મદદ કરી શકે છે.’’ હસને બાદમાં ટિપ્પણીઓને “વ્યૂહાત્મક” ચૂંટણી ભાષા તરીકે બચાવ કરી સ્વીકાર્યું હતું કે સમયને ધ્યાનમાં રાખીને તેમના શબ્દો અયોગ્ય હતા.
રાજકીય હિંસા અંગેના ભૂતપૂર્વ સરકારી સલાહકાર લોર્ડ વોલ્નીએ આ ટિપ્પણીઓને “બીમાર” અને સંભવિત રીતે ઉગ્રવાદી હુમલાઓને પ્રેરણા આપતી ગણાવી હતી.
ગ્રીન પાર્ટીએ યહૂદી-વિરોધી બાબતો અંગે તપાસનો સામનો કરવો પડ્યો છે. ટીકાકારોએ ચેતવણી આપી હતી કે હસનની ટિપ્પણીઓ તણાવને વધારી શકે છે.
