ભારત અને ચીનની વચ્ચે લદાખ સરહદે તંગદિલી વધી રહી છે. સોમવાર, 7 સપ્ટેમ્બરની મોડી રાત્રે પેન્ગોગ ત્સો લેઇક પર વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી)ની પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે ભારતીય સૈનિકો પર પેન્ગોગ ત્સોના દક્ષિણ કિનારા પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફાયરિંગની ઘટના બની હોય એવો છેલ્લા 45 વર્ષમાં આ પહેલો બનાવ છે.

જોકે, સરહદે ફાયરિંગ મામલે ભારતીય સેનાએ ચીનનું નિવેદન ખોટુ ગણાવ્યું છે. ભારતીય સેનાએ કહ્યું છે કે, પહેલું ફાયરિંગ ચીન તરફથી થયું હતું. જ્યારે ચીનનું કહેવું છે કે, પહેલું ફાયરિંગ ભારત તરફથી થયું છે. સેનાના નિવેદન પ્રમાણે 7 સપ્ટેમ્બરે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (PLA) આપણી ફોરવર્ડ પોઝીશન નજીક આવવાનો પ્રયત્ન કરતી હતી. જ્યારે ભારતીય સૈનિકોએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ચીની સૈનિકોએ ભારતીય સૈનિકોને ઉશ્કેર્યા હોવા છતા ભારતીય સૈનિકોએ જવાબદારીભર્યું વર્તન કર્યું હતું.

ચીનના સૈનિકો આગળ વધીને ભારતીય વિસ્તારમાં કબજો કરવાનો પ્રયત્ન કરતા હતા. તેઓ ભારતીય સેનાની લોકેશનની ઘણાં નજીક આવી ગયા હતા. ભારતીય સેનાએ તેમને પીછે હટ કરવા કહ્યું હતું. વિવાદ વધતા ભારતીય સેનાએ ચેતવણી આપીને હવામાં ફાયર કરવું પડ્યું હતું. આ વિસ્તાર રેચન લાનો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિવાદ દરમિયાન એક-બે નહીં પરંતુ ઘણાં રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું. ચીની સૈનિકોએ પણ ફાયર કર્યું હતું. જોકે હજી એ ખુલાસો નથી થઈ શક્યો કે, પહેલાં ચીની સૈનિકોએ ફાયર કર્યું હતું કે ભારતીય જવાનોએ. આ ફાયરિંગ પછી ચીની સૈનિકો તેમના લોકેશન પર પરત ફર્યા હતા અને હાલ સ્થિતિ સામાન્ય છે.

ગલવાન ખીણમાં 20 સૈનિકો ગુમાવ્યા પછી અને છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલા વિવાદ પછી ભારતીય સેનાએ તેમના રુલ ઓફ એંગેજમેન્ટમાં ફેરફાર કર્યા છે. આપણાં સૈનિકોને ઓર્ડર મળ્યા છે કે, જો સ્થિતિ ખરાબ થવા લાગે અને ચીની સૈનિકો લોકેશન નજીક આવવાનો પ્રયત્ન કરે તો તેઓ ફાયરિંગ કરી શકે છે.

ઉલ્લેખનીય એ છે કે 1975 બાદ સરહદ પર ભારત અને ચીનની સૈનિકોની વચ્ચે આ પ્રકારે પહેલીવાર ફાયરિંગ થયું છે.ચીનના સંરક્ષણ મંત્રાલય, ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાનના પ્રવક્તા કર્નલ ઝાંગ શુઇલી તરફથી એલએસી પર હાલની સ્થિતિને લઈ નિેવેદન આપવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સૈનિકો તરફથી કથિત ઉશ્કેરીજનક કાર્યવાહી કરવામાં આવી, જેનાથી ચીની સૈનિકો તરફથી જવાબી કાર્યવાહી થઈ હતી.

ભારતીય સેનાના સૂત્રોએ પુષ્ટિ કરી કે વોર્નિંગ શૉટ્સ ફાયર કરવામાં આવ્યા હતા. ચીનની નજર આપણા બ્લેક ટૉપ અને હેલ્મેટ ટૉપ પર્વતશિખરો પર છે. સરહદ પર તૈનાત જવાન ત્યારથી હાઈ એલર્ટ પર છે જ્યારથી ચીન તરફથી હાલમાં કેટલાક પર્વતશિખરો પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આપણા જવાનોએ આ બંને પર્વતશિખરોને સંપૂર્ણપણે પોતાના કબજા હેઠળ લઈ લીધાં છે. બંને દેશોની સરહદ પર આ પહેલાં 45 વર્ષ પહેલાં ગોળીબાર થયો હતો. 20 ઓક્ટોબર 1975ના રોજ અરુણાચલ પ્રદેશના તુલુંગ લા માં ચીનના સૈનિકો દ્વારા ભારતની આસામ રાઈફલ્સની પેટ્રોલિંગ પાર્ટી પર દગાથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં ભારતના 4 જવાન શહીદ થયા હતા.