રશિયાની મુલાકાતના બે દિવસ પહેલા ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેની અંકુશરેખા પરની હાલની સ્થિતિ ઘણી ગંભીર છે. તેથી રાજકીય સ્તરે બંને દેશો વચ્ચે ગહન ચર્ચાવિચારણા કરવાની જરૂર છે. રશિયાની મુલાકાત દરમિયાન તેઓ ચીનના વિદેશ પ્રધાન સાથે સીમાવિવાદ અંગે મંત્રણા કરે તેવી શક્યતા છે. આ મંત્રણાની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું હતું કે સરહદ પરની સ્થિતિને મંત્રણાથી અલગ કરી શકાય નહીં.

જયશંકર 10 સપ્ટેમ્બરે મોસ્કોમાં શાંઘાઈ સહયોગ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. તેઓ ચીનના વિદેશ પ્રધાનને શુ સંદેશ આપશે તેવા પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યુ હુ તેમને વાસ્તવમાં જે કહીશ, તે સ્વાભાવિક છે કે આપને જણાવી શકીશ નહીં. જોકે તેમણે કહ્યુ કે તેમનું વલણ સરહદ પર શાંતિ જાળવી રાખવાના વ્યાપક સિદ્ધાંત પર કેન્દ્રિત જ થશે જેથી સંબંધોનો સમગ્ર વિકાસ થાય. પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં 15 જૂને સંઘર્ષમાં 20 ભારતીય સૈન્ય કર્મચારીઓના શહીદ થયા બાદ LAC પર તણાવ ઘણો વધી ગયો હતો.