NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI4_29_2021_001010001)

ભારતમાં ઓક્સિજન, દવાઓ અને હોસ્પિટલ બેડની અભૂતપૂર્વ તંગી વચ્ચે આશરે છેલ્લાં એક સપ્તાહથી કોરોના વાઇરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને 3,000થી વધુ લોકોના મોત થઈ રહ્યાં છે. શુક્રવારે સવારે આઠ વાગ્યે આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 3,86,452 કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીના સૌથી વધુ છે. વધુ 3,498 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. સતત 9 દિવસથી દેશમા ત્રણ લાખ કરતા વધારે પોઝિટિવ કેસ રોજ નોંધાઈ રહ્યા છે અને સતત ત્રીજા દિવસે 3000 કરતા વધુ લોકોએ એક દિવસમાં કોરોના સામે જીવ ગુમાવ્યો છે. 21 એપ્રિલના રોજ કોરોનાના એક દિવસના કેસનો આંકડો 3 લાખને પાર ગયો હતો જ્યારે 27 એપ્રિલે 3000થી વધારે દર્દીઓના જીવ ગયા હતા.

મંત્રાલયે રજૂ કરેલા આંકડા પ્રમાણે 24 કલાકમાં 2,97,540 દર્દીઓનો કોરોનાને હરાવીને સાજા થયા છે.ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો વધીને 1,87,62,976 પર પહોંચી ગયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 31,70,228 થઈ ગઈ છે. 2,08,330 દર્દઓએ કોરોના સામે દમ તોડ્યો છે. જ્યારે 1,53,84,418 લોકોએ કોરોનાને માત આપી છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) જણાવ્યા મુજબ ભારતમાં 29 એપ્રિલ સુધીમાં 28,63,92,086 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 19,20,107 સેમ્પલ ગુરુવારે લેવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં 15,22,45,179 ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં ગુરુવારે કોરોના વાયરસના નવા 14,327 કેસો નોંધાયા હતા અને 180 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચ્યો હતો. ગુરુવારે અમદાવાદમાં 5258, સુરતમાં 1836, વડોદરામાં 639, રાજકોટમાં 607, મહેસાણામાં 511, જામનગરમાં 386 નવા કેસો નોંધાયા હતા.