Fear of a new wave of Corona in India since January
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ચીન અને યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચકતા ભારતમાં પણ ચોથી લહેરની દહેશત વ્યક્ત થઈ રહી છે. નિષ્ણાતોએ ચોથી લહેર માટે સાવધાન રહેવાની સલાહ આપી હતી. આરોગ્ય મંત્રાલયના શનિવારના આંકડાં પ્રમાણે દેશમાં એક દિવસમાં ૨૦૭૫ નવા કેસ નોંધાયા હતા. ૭૧નાં મોત થયા હતા. એક્ટિવ કેસોની સંખ્યા ૨૭૮૦૨ છે.

સ્વાસ્થ્ય સેવાના પૂર્વ ઉચ્ચ અધિકારી અને દિલ્હી રાજ્ય સરકારના પૂર્વ આરોગ્ય સલાહકાર ડો. સુભાષ સાલુંખેને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત ઉપર ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોકે, ચોથી લહેર ક્યારે આવશે તે બાબતે હજુ પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે, છતાં ચોથી લહેર આવશે એવી શક્યતાના પગલે આરોગ્ય વિભાગે સાવધાન રહેવું જોઈએ એવી સલાહ તેમણે આપી હતી. જોકે, અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું હતું કે હાલ પૂરતો દેશ ઉપર કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાતો નથી, તેમ છતાં સાવચેતી રાખવી જરૂરી છે.

કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ૫૦થી વધુ મ્યુટેશન્સ આવી ચૂક્યા છે. તેનાથી જગતમાં હાહાકાર મચી ગયો છે. નવેમ્બર-૨૦૨૧માં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. તે ઝડપભેર ફેલાતો હોવાથી અનેક દેશોમાં કોરોનાના કેસ વધ્યા હતા.જોકે, વેક્સિનેશનના કારણે એ વેરિઅન્ટ એટલો ઘાતક સાબિત થયો ન હતો તે રાહતની વાત હતી.

ભારતમાં બે કરોડ લોકોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ મળી ચૂક્યો છે. કુલ ૧૮૧ કરોડ ડોઝ અપાયા છે. એમાંથી ૮૧ કરોડ લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. ૯૭ કરોડ જેટલા લોકોએ ઓછામાં ઓછો એક ડોઝ લઈ લીધો છે.