NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI

ભારતમાં કોરોનાના નવા કેસોમાં છેલ્લાં બે દિવસથી વધારો થઈ રહ્યો છે. સતત બે દિવસ સુધી નવા કેસો 40,000થી વધુ રહેતા એક્ટિવ કેસની સંખ્યા વધીને 4 લાખને પાર થઈ હતી. દેશમાં બુધવારે કોરોનાના 43,509 દર્દીઓ નોંધાયા હતા અને 640 દર્દીઓના મોત થયા થયા હતા. દેશમાં કુલ કેસમાંથી આશરે 50 ટકા કેસ કેરળમાં નોંધાયા છે, તેથી રાજ્ય સરકારે 31 જુલાઈ અને પહેલી ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે લોકડાઉનનું જાહેરાત કરી છે.

દેશમાં કોરોનાની બીજી લહેરનો સંપૂર્ણપણે અંત નથી આવ્યો. કેરળ, મહારાષ્ટ્ર અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. બીજી લહેર પીક પર પહોંચી પછી કેરળમાં કેસ ઘટવા લાગ્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને ગુરુવારે સવારે જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 43,509 દર્દીઓ નોંધાયા હતા અને 640 દર્દીઓના મોત થયા હતા. સતત બે દિવસથી કોરોનાના મૃત્યુઆંક 600ને પાર જઈ રહ્યા છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના સાજા થયેલા દર્દીઓની સંખ્યા 38,465 નોંધાઈ હતા. મંગળવાર તથા બુધવારે નવા નોંધાયેલા કેસમાં સાજા થયેલા દર્દીની સંખ્યા નવા કેસની સામે ઓછી નોંધાતા એક્ટિવ કેસનો આંકડો ફરી એકવાર 4 લાખને પાર પહોંચી ગયો છે.

મંત્રાલયના રિપોર્ટ્સ મુજબ રિકવરી રેટ 97.38% પર પહોંચ્યો છે.વધુ 38,465 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3,07,01,612 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4,22,662 થઈ ગયો છે.