સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 3,374 થઈ ગયો છે. કોરોનાએ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ભારતાં કોરોનાના કુલ 3,030 એક્ટિવ કેસ જોવા મળે છે તેમજ 266 લોકોને સરાવાર બાદ રજા આપવામાં આવી છે. દેશમાં કોરોનાગ્રસ્ત લોકોનો મૃત્યુઆંક 77 થઈ ગયો છે.

લખનઉ કેન્ટોનમેન્ટ વિસ્તારને 48 કલાક માટે સીલ કરી દેવાયો છે. તબલીગી જમાતમાંથી પરત આવેલા 12 લોકો સદર બજાર વિસ્તારમાંથી કોરોનાના લક્ષણો સાથે મળી આવ્યા છે. ક્વિક રિસ્પોન્સ ટીમ અને મેડિકલ ટીમને આ વિસ્તારમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કુલ 12 લાખ જેટલા કેસ નોંધાયા છે અને 64,000થી વધુ લોકોના મોત નિપજ્યા છે.

ભારતમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાગ્રસ્ત 302 લોકોનો ઉમેરો થયો છે. દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધવા પાછળ દિલ્હીના નિઝામુદ્દીનમાં મરકઝમાં ગયેલા જમાતીઓ મોટું કારણ બન્યા છે. 30 ટકા કેસો તબલીગી જમાતમાંથી પરત ફરેલા લોકોમાંથી વધ્યા હોવાનું નોંધાયું છે. આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીએ આ અંગે જમાતીઓથી કેસ વધ્યા હોવાની વાતને અયોગ્ય ગણાવી હતી. તેમણે જણાવ્યું કે દિલ્હીમાં જે કંઈ થયું તે યોગ્ય નહતું પરંતુ એક સમુદાયને ટાર્ગેટ બનાવવો જોઈએ નહીં.

મહારાષ્ટ્રમાં શનિવારના સંક્રમણના 145 નવા કેસ સામે આવ્યા હતા. મુંબઈમાં જ 52 કેસ નોંધાયા હતા. રાજ્યમાં શનિવારે છ લોકોની મોત થઈ હતી જે પૈકી ચાર મુંબઈમાં, તેમજ થાણે અને અમરાવતિમાં એક-એક વ્યક્તિએ અંતિમ શ્વાસ લીધા હતા. મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત લોકોના મોતનો આંકડો 32 થયો છે જો કે સારવાર બાદ રજા અપાઈ હોય તેવા પણ 52 કેસ નોંધાયા છે.

મધ્ય પ્રદેશમાં ઈએએસ અધિકારી તેમજ હેલ્થ કોર્પોરેશનના એમડી જે વિજય કુમારનો ક્રોસ સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ બે અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્વાસ્થ્ય અગ્રસચિવ પલ્લવી જૈન ગોવિલ અને હેલ્થ અપર સંચાલક ડો. વીણા સિન્હા પણ સંક્રમણગ્રસ્ત હોવાનું જણાયું હતું. આ ઉપરાંત એક શાકભાજીનો વેપારી પણ કોરોનાથી સંક્રમિત મળી આવ્યો હતો. આ સાથે એમપીમાં કોરોનાના દર્દીઓનો આંકડો 182 પર પહોંચ્યો છે.

શનિવારે દિલ્હીમાં 59 નવા કેસ નોંધાયા હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે સંક્રમણના કુલ 445 કેસ થયા છે જેમાંથી 40 લોકલ ટ્રાન્સમિશન દ્વારા ફેલાયેલા છે. અન્ય કેસો વિદેશ પ્રવાસ અને મરકઝ જમાતના લીધે થયા હોવાનું જણાયું છે. તેમણે જણાવ્યું કે મરકઝમાંથી બહાર કઢાયેલા 2300 લોકો પૈકી 500માં કોરોનાના લક્ષણ જણાતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે 1,800 લોકો ક્વોરન્ટાઈન હેઠળ છે. જેમના રિપોર્ટ કરાવાયા છે તેમના પરિણામ બે-ત્રણ દિવસમાં આવી શકે છે.