પ્રતિકાત્મક તસવીર (istockphoto)

લંડનમાં આવેલ ભારતીય હાઈ કમિશને સોમવારે યુકેના પ્રવાસીઓને ઈલેક્ટ્રોનિક વિઝા (ઈ-વિઝા) ફરીથી આપવાનું શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેને પગલે તાજેતરના મહિનાઓમાં ભારતના વિઝા મેળવવામાં અને તે માટેની પોઇન્ટમેન્ટ મેળવવામાં તકલીફ ભોગવી રહેલા લોકોની હાલાકી ઓછી થશે અને બ્રિટીશ પાસપોર્ટ ધરાવતા ભારતીય મૂળના લોકો અને યુકેના અન્ય નાગરિકોની તકલીફોનો ત આવશે.

યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ટ્વિટર પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘’આ સેવા “તાત્કાલિક” ધોરણે ઉપલબ્ધ થશે અને પ્રવાસીઓ આ સપ્તાહથી જ ભારતના ઈ-વિઝા માટે અરજી કરવાનું શરૂ કરી શકે છે. આજે મોટા સમાચાર એ છે કે અમે ફરી એકવાર ઇ-વિઝા શરૂ કરી રહ્યા છીએ. આનાથી યુકેના મિત્રો ભારતમાં વધુ સરળતાથી મુસાફરી કરી શકશે.”

ભારતીય હાઈ કમિશનરની આ જાહેરાતને ખૂબ જ ઉત્સાહ સાથે આવકારવામાં આવી હતી.

લંડનમાં હાઈ કમિશનના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે આ માટેની સિસ્ટમ અપગ્રેડ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ભારતીય વિઝા વેબસાઇટ ટૂંક સમયમાં ઈ-વિઝા માટેની અરજીઓ મેળવવા માટે તૈયાર થઈ જશે.

યુકેની સંસદમાં પણ તે ઉભરી આવ્યું હતું કે ગયા મહિને ઇન્ડોનેશિયામાં G20 સમિટ દરમિયાન તેમની બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના યુકે સમકક્ષ, ઋષિ સુનક વચ્ચે અન્ય મુદ્દાઓ સહિત ઇ-વિઝા વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી. લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ઇ-વિઝા ઉપરાંત ભારતીય વિઝા પ્રોસેસિંગની વિઝા એટ યોર ડોરસ્ટેપ (VAYD) સેવાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વધુ સારી સેવા અને સુવિધાઓને વેગ આપવા માટે VFS ગ્લોબલ દ્વારા સેન્ટ્રલ લંડનમાં મેરીલબોન ખાતે નવુ ઈન્ડિયા વિઝા એપ્લિકેશન સેન્ટર (IVAC) પણ ખોલાયું છે. જે લંડનમાં ત્રીજું વિઝા કેન્દ્ર છે. VFS ગ્લોબલ સમગ્ર યુકેમાં બેલફાસ્ટ, બર્મિંગહામ, બ્રેડફર્ડ, કાર્ડિફ, એડિનબરા, ગ્લાસગો, સેન્ટ્રલ લંડનમાં ગોસવેલ રોડ, હન્સલો, લેસ્ટર અને માન્ચેસ્ટર સહિત 10 IVACનું નેટવર્ક ચલાવે છે.

VFS ગ્લોબલના COO આદિત્ય અરોરાએ જણાવ્યું હતું કે “અમે હંમેશા ગ્રાહક અનુભવના પડકારોને પહોંચી વળવા વ્યવહારુ ઉકેલો શોધવાનું વિચારીએ છીએ. અમે વિઝા અરજદારોને સીમલેસ વિઝા એપ્લિકેશન અનુભવ સાથે મદદ કરવા માટે લંડનમાં ભારતના હાઈ કમિશનર સાથે મળીને પગલાં લીધાં છે. લંડન અને બર્મિંગહામ કેન્દ્રએ અરજીઓ પ્રાપ્ત કરવાનું શરૂ કર્યું હોવાથી તે વધુ એપોઇન્ટમેન્ટ જાહેર કરવામાં સક્ષમ છે. આ વર્ષે માર્ચથી, VFS ગ્લોબલે સમગ્ર યુકેમાં વિકેન્ડ કેમ્પ સ્થાપવા માટે લંડનમાં ભારતના હાઈ કમિશન અને યુકેની આસપાસના તેના કોન્સ્યુલેટ્સ સાથે પણ ભાગીદારી કરી છે.

LEAVE A REPLY

one × five =