પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુક્રેન પર આક્રમણ બાદ ચાલુ વર્ષના ફેબુ્આરીના અંતિમ સપ્તાહથી રશિયા ખાતે અટકી પડેલી ભારતની માલસામાનની નિકાસ પચાસ દિવસના ગાળા બાદ ફરી શરૂ થઈ છે. યુક્રેન પર આક્રમણને કારણે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લાગુ કર્યા છે, જેમાં તેની સાથેના વેપાર વ્યવહાર પણ અટકાવી દેવાયા છે. જો કે આ પ્રતિબંધોમાં ભારત તટસ્થ રહ્યું છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશનના  (ફીઓ)સુત્રોએ જણાવ્યું હતું કે ભારત ખાતેથી કન્ટેનર્સ ભરીને ચોખા, ચા, કોફી, મીઠાઈ, ફળ સહિતની ચીજવસ્તુઓ ગયા સપ્તાહમાં રશિયા રવાના કરાઈ છે. રશિયાની સૌથી મોટી બેન્ક સ્બેરબેન્કની આગેવાની હેઠળની બેન્કોએ દ્વીપક્ષી વેપારની પતાવટ માટે સવલત કરી આપી છે. વેપાર પેટેના વ્યવહારો સ્બેરબેન્ક મારફત પાર પાડવામાં આવે છે. વેપાર માટે વ્યવહાર રુપી-રુબલના સ્વરૂપમાં તથા યુરોમાં કરવામાં આવે છે.

અમે ગયા સપ્તાહમાં જ રશિયા ખાતે નોન-બાસમતિના ૬૦ કન્ટેનર્સ રવાના કર્યા છે, એમ એક સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું. રશિયા ખાતેથી હાલમાં સૌથી વધુ માગ અનાજની આવી રહી છે. પ્રતિબંધોને કારણે રશિયામાં અનાજના અછત વર્તાઈ રહી છે. ભારતની ચા માટે રશિયા એક મોટું બજાર છે. દર વર્ષે અંદાજે ચાર કરોડ કિગ્રા ચા રશિયામાં નિકાસ થાય છે.