અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલી 50 ટકા ટેરિફનો સામનો કરવા માટે ભારતે અમેરિકાના વિકલ્પરૂપે 40 દેશની યાદી તૈયાર કરી છે અને આ દેશોમાં ભારતીય સામાનની ખપત વધારવાનું આયોજન કર્યું છે. આ દેશોમાં જર્મની ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, નેધરલેન્ડ્સ, પોલેન્ડ, કેનેડા, મેક્સિકો, રશિયા, બેલ્જિયમ, તુર્કીયે, યુએઈ, જાપાન, યુકે, સાઉથ કોરિયા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
મોદી સરકારે ટેક્સટાઈલ ઉત્પાદનોની નિકાસને અન્ય દેશોમાં પ્રોત્સાહન આપવાની વ્યૂહરચના ઘડવામાં આવી છે. વર્ષ 2024માં ભારતનું ટેક્સટાઈલ સેકટર 719 બિલિયન ડોલરનુ હતું. તેમાંથી 142 બિલિયન ડોલર ઘરેલુ બજારમાં અને 37 બિલિયન ડોલર નિકાસમાંથી મળ્યા હતા. વૈશ્વિક સ્તરે ટેક્સટાઈલ ઈમ્પોર્ટ માર્કેટ 800.77 બિલિયન ડોલરનું હતું, જેમાં ભારતનો હિસ્સો 4.1 ટકા હતો. ભારતીય વસ્ત્રોની નિકાસ 220 દેશમાં થાય છે, પરંતુ તેમાંથી 40 દેશમાં નિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવશે. આ દેશો દ્વારા વર્ષે 590 બિલિયન ડોલરના કપડાંની નિકાસ કરવામાં આવે છે અને તેમાં ભારતનો ફાળો માત્ર 5-6 ટકા જેટલો છે.
ભારતના ટેક્સટાઈલ ઉત્પાદનોને ગુણવત્તા, ટકાઉપણા અને ઈનોવેશનના માધ્યમથી આ 40 દેશોમાં લોકપ્રિય બનાવવાના પ્રયાસ શરૂ થયા છે. આ પ્રયાસોમાં ભારતીય ઉદ્યોગો, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ્સ (EPC) અને ઈન્ડિયન મિશન્સની ભૂમિકા મહત્ત્વની રહેવાની છે. અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવાનો શ્રેષ્ઠ વિકલ્પ ડાઈવર્સિફિકેશન છે અને તેના માટે ભારતમાં સરકારી તંત્ર અને ઉદ્યોગોના સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવશે.
