ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ મંગળવારે તા. 5ના રોજ વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ‘’કોવિડ-19 પ્રેરિત લોકડાઉનના કારણે વિદેશમાં ફસાયેલા 15,000 જેટલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એર ઈન્ડિયા તા. 7 મે થી તા. 13 મે દરમિયાન કુલ 64 ફ્લાઇટ્સનું સંચાલન કરનાર છે.’’

ખાનગી એરલાઇન્સ તા. 13 મે પછી સ્વદેશના પ્રયાસોમાં જોડાશે. પરત આવવા માંગતા લોકો પાસેથી ફ્લાઇટનું ભાડુ લેવામાં આવશે. જે લંડન-દિલ્હી ફ્લાઇટ માટે 50,000 રૂપિયા અને ઢાકા-દિલ્હી ફ્લાઇટ પર 12,000 રૂપિયા હશે.  વિદેશથી આવનાર બધા મુસાફરોને કોવિડ-19 સાવચેતી પગલા તરીકે 14 દિવસના સમયગાળા માટે તપાસ કરીને તેમને ક્વોરેન્ટાઇન હેઠળ મૂકવામાં આવશે એમ પુરીએ જણાવ્યું હતું.

યુએઈ, યુકે, યુ.એસ., કતાર, સાઉદી અરેબિયા, સિંગાપોર, મલેશિયા, ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ, બહેરિન, કુવૈત અને ઓમાન જેવા 12 દેશોના ભારતીયોને પરત મોકલવા એર ઇન્ડિયા અને તેની સહાયક કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા આ 64 ફ્લાઇટ્સ ઉડાડવામાં આવશે. ભારત યુએઈ માટે 10 ફ્લાઇટ્સ, યુએસ અને યુકે માટે સાત ફ્લાઇટ, સાઉદી અરેબિયાની પાંચ ફ્લાઇટ, સિંગાપોરની પાંચ ફ્લાઇટ અને કતારની બે ફ્લાઇટ્સ ઉડાવશે.

પુરીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન, ભારત મલેશિયા અને બાંગ્લાદેશ માટે સાત-સાત ફ્લાઇટ, કુવૈત અને ફિલિપાઇન્સ માટે પાંચ-પાંચ ફ્લાઇટ, ઓમાન અને બહેરિન માટે બે-બે ફ્લાઇટ ઉડાવશે.

કોરોનાવાયરસના પ્રસારને રોકવા માટે ભારત 25 માર્ચથી લોકડાઉન હેઠળ છે. આ સમયગાળા માટે તમામ વ્યાપારી મુસાફરોની ફ્લાઇટને સ્થગિત કરવામાં આવી છે. ભારતમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો 17મેના રોજ સમાપ્ત થશે. કોરોનાવાયરસથી અત્યાર સુધીમાં ભારતમાં 46,400થી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને 1,560 જેટલા લોકો માર્યા ગયા છે.