ભારતમાં સોનાની કિંમત શુક્રવારે સાંજે રૂ.500 વધી રૂ.1.10 લાખની રેકોર્ડ સ્તર પહોંચી હતી. જ્યારે ચાંદી રૂ.3,000 ઘટી રૂ.1.22 લાખ રહી હતી. બીજી તરફ ડોલર સામે રૂપિયામાં નબળાઈ યથાવત રહી હતી. રૂપિયો આગલા બંધ સામે 15 પૈસા ઘટી 88.27ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇન્ટ્રા ડેમાં 88.38ના નવા નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. ટેરિફ અંગેની અનિશ્ચિતતા વચ્ચે વધુ ટેરિફ લાદવાની વાતોએ ફોરેક્સ માર્કેટમાં રૂપિયા પર સતત દબાણ જાળવી રાખ્યું છે. જેના કારણે રીઝર્વ બેન્કે ડોલર વેચ્યા હોવા છતાં બજારમાં સ્થિરતા જોવા મળી નથી. જાપાન પર ટેરિફ ઘટાડવાની જાહેરાતથી પણ નબળાઈ વધુ વકરી હતી. રૂપિયાની અસ્થિરતા પાછળ શેરબજારની અસ્થિર ચાલ અને એફપીઆઇની વેચવાલી પણ એક કારણ રહ્યું છે. એફપીઆઇએ સપ્ટેમ્બરમાં રૂ.4,400 કરોડની વેચવાલી કરી છે, જે ઓગસ્ટમાં રૂ.46,900 કરોડની રહી હતી.
