શ્રીલંકાના નાગરિકની આશ્રય માટેની અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી કે જે વિશ્વભરના શરણાર્થીઓને આવકારે. દેશ ૧૪૦ કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યો છે.
ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ કે વિનોદ ચંદ્રનની બેન્ચ શ્રીલંકાના નાગરિકની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેની 2015માં શ્રીલંકામાં સક્રિય સંગઠન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE) સાથે જોડાણ હોવાની શંકાના આધારે ધરપકડ કરાઈ હતી.
શ્રીલંકાના તમિલ નાગરિક અરજદારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે વિઝા લઈને ભારત આવ્યો હતો અને તેના વતનમાં તેના જીવને જોખમ છે. તેની પત્ની અને બાળકો ભારતમાં સ્થાયી થયા છે અને તે લગભગ ત્રણ વર્ષથી અટકાયતમાં છે અને દેશનિકાલની પ્રક્રિયા શરૂ થઈ નથી.
આના જવાબમાં, ન્યાયાધીશ દત્તાએ કહ્યું હતું “શું ભારત વિશ્વભરના શરણાર્થીઓને આવકાર આપશે? આપણે ૧૪૦ કરોડ લોકો સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ. આ કોઈ ધર્મશાળા નથી કે જ્યાં આપણે દુનિયાભરના વિદેશી નાગરિકોને આવકારી શકીએ.
