વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 14 એપ્રિલે દેશમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રને સંબોધન કરતા દેશના તમામ લોકોનો કોરોના વિરુદ્ધના જંગમાં સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કેટલાક લોકોને જમવાની તકલીફ પડી છે તો કેટલાકને બહાર જવાની મુશ્કેલી પડી છે. દેશમાં કોરોના મહામારી વચ્ચે એકતાનો પરચો આપીને સહકાર આપવા બદલ હું દેશના તમામ સૈનિકોનો આભાર માનું છું. દેશમાં હજુ પણ કોરોનાની સ્થિતિ ગંભીર હોવાથી 3 મે સુધી લોકડાઉનનો અમલ લંબાવાયો છે. લોકડાઉનના આ બીજા તબક્કાનો ગાળો વધુ પડકારજનક રહેશે.
વડાપ્રધાને સવારે 10 વાગ્યે પોતાના સંબોધનમાં આ જાહેરાત કરી તેની થોડી મિનિટોમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી હતી કે ભારતમાં આવતી અને ભારતથી ઉપડતી તમામ આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ તેમજ ભારતમાં જ આંતરિક રીતે ચાલતી ડોમેસ્ટિક ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ પણ 3 મે સુધી લંબાવાયો છે. એ સાથે, દેશમાં પેસેન્જર્સ માટેની ટ્રેન સેવાઓ પણ ત્યાં સુધી ફરી ચાલુ નહીં કરાય તેવી જાહેરાત થઈ હતી.
દેશમાં હોટસ્પોટ વિસ્તારોમાં વધુ ચુસ્ત રીતે પગલાં લેવાશે. કોરોના વિરુદ્ધ આ સ્થળોએ વધુ કડક પગલાં લેવાશે અને 20 એપ્રિલ સુધી દરેક જિલ્લા, વિસ્તારોની ઝિણવટપૂર્વક તપાસ થશે. બધા ક્ષેત્રોએ કોરોના વાયરસથી બચવા કેવા પગલાં લીધે છે તેની ચકાસણી થશે અને તેમાં કેટલા સફળ થયા તેના આધારે જો કોઈ હોટસ્પોટને વધુ વધવા નહીં દે અને હોટસ્પોટમાં વધારો થવાનું અટકશે તો તેવા વિસ્તારોમાં 20 એપ્રિલથી કેટલીક શરતી છૂટછાટ અપાશે.
બહાર નિકળવા માટે શરતી મંજૂરી હશે અને લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન થતું જણાશે તો આ વિસ્તારોને મળેલી છૂટ પરત લઈ લેવાશે.
તેમણે કહ્યું કેકોરોનાનો દેશમાં એકપણ કેસ નહોતો ત્યારે ભારતે એરપોર્ટ પર દેશ વિદેશના પ્રવાસીઓના સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરી દીધી હતી. દેશમાં કોરોનાના 100 કેસ હતા ત્યારે ભારતે વિદેશથી આવતા દેશવાસીઓને ફરજિયાત 14 દિવસ સુધી ક્વોરોન્ટાઈનમાં રહેવા આદેશ આપી દીધો હતો. 500થી વધુ કેસો નોંધાયા ત્યારે ભારતે 21 દિવસના લોકડાઉનને લાગુ કરવા આદેશ કરી દીધો હતો.
ભારતે વિલંબ નથી કર્યો અને રાહ જોયા વગર જ પગલાં લીધા છે. જો કે સ્થિતિ સાધારણ નથી. વિશ્વમાં અન્ય વિકસીત દેશોની તુલનાએ ભારત આજે વધુ સારી સ્થિતિમાં છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. મહિના અને દોઢ મહિના અગાઉ કેટલાય દેશો કોરોનાના ચેપની બાબતમાં ભારતની સમકક્ષ હતા, આજે એ દેશોમાં કોરોનાના કેસો આપણા કરતા 25-30 ટકા વધી ગયા છે. હજારો લોકોના દુઃખદ નિધન થયા છે.
ભારતે હોલિસ્ટિક એપ્રોચ અપનાવ્યો ના હોત, ઈન્ટિગ્રેટેડ એપ્રોચ અપનાવ્યો ના હોત અને સમયસર ઝડપી નિર્ણયો ના લીધા હોત તો ભારતની સ્થિતિ શું હોત તે અંગે વિચારીને જ રૂંવાડા ઊભા થઈ જાય છે. આપણે જે પગલાં લીધે છે તે જ પ્રવર્તમાન સમયે આપણા માટે યોગ્ય છે.