(Photo by TOLGA AKMEN/AFP via Getty Images)

ભારતમાં અચાનક પ્રોસેસિંગ અને કોલ સેન્ટર્સ બંધ થતાં તેમ જ બ્રિટનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ બિમાર હોવાથી બેંકમાં ગ્રાહકોની પૂછપરછનું પ્રમાણ ખૂબ જ વધી જતાં એ સમસ્યારૂપ બની ગયું છે. ગત સપ્તાહે કોરોનાના પ્રકોપમાં સરકારે બિઝનેસીઝને મદદ કરવા નવી લોન સ્કીમ જાહેર કરી હોવાથી બેંકમાં ગ્રાહકોની મુલાકાતો વધી રહી છે. આ અંગે એક વરિષ્ઠ ફાયનાન્સિયરે જણાવ્યું હતું કે, આ પરિસ્થિતિ નબળી વ્યવસ્થાની નિશાની છે.

ભારતમાં ગત મંગળવારથી લોકડાઉન અમલમાં આવતા લોઇડ્ઝે બેંગલોરમાં તેમના કાર્યરત એક હજાર પ્રોસેસિંગ સેન્ટરના વર્કર્સનો બ્રિટનમાં વિકલ્પ શોધી લીધો હતો. બાર્કલેઝ પણ પૂણે અને નોઇડામાં તેમના કોલ સેન્ટરમાં સમસ્યા અનુભવી રહ્યા છે, તેથી તેમના પર યુકેની ટીમ પાસેથી કામ કરાવવાનું દબાણ વધ્યું છે. હાઇ સ્ટ્રીટ બેન્ક બ્રાન્ચીઝ અને કોલ સેન્ટરના કામમાં પણ કર્મચારીઓની ગેરહાજરીને અસર દેખાઇ રહી છે. ગત અઠવાડિયે વ્યક્તિગતધિરાણકર્તાઓએ 25થી 40 ટકા વચ્ચે ક્ષમતા ઓછી થઇ હોવાનું જણાવ્યું હતું.

લોઇડ્ઝે તેના કામના દિવસોમાં કામ કરવાનો સમય સવારે 10થી 2 સુધીનો જ રાખ્યો છે. આ સમય દરમિયાન ગ્રાહકોનો સંપર્ક ખૂબ જ વધી જાય છે. ઘર માલિકોને મદદ કરવા માટે સરકારે ત્રણ મહિના સુધી રાહતો જાહેર કરતા બેંકમાં મોટાપાયે કોલ આવી રહ્યા છે. એપ્રિલ મહિનાનો ચાર્જ ન ભરવો પડે તે માટે તેઓ મહિનાનો અંત આવે તે પહેલા બેંકમાં પહોંચી ગયા હતા. એક અંદાજ પ્રમાણે એક લાખ કંપનીઓએ કોરોના વાઇરસ બિઝનસ ઇન્ટરપ્શન લોન સ્કીમ માટે પૂછપરછ કરી હતી. એ લોન સોમવારે જાહેર થઇ હતી.

બેન્કીંગ ઇન્ડસ્ટ્રી સંસ્થા- યુકે ફાયનાન્સના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન જોન્સે જણાવ્યું હતું કે, અમે લોકોને કહીએ છીએ કે બેંકમાં ફોન કરો ત્યારે થોડું વિચારો, કારણકે ખૂબ મોટી સંખ્યામાં તે વખતે લોકો ત્યાં પૂછપરછ કરતા હોય છે. બેંકોએ વધુ સમય માટે કાર્યરત રહેવાની વ્યવસ્થા કરી છે. બેંકોને તેમની બ્રાંચ ખુલ્લી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે.