ભારત સરકારે ઇ-ફાર્મસી, મેડિકલ ડિવાઇસ અને ક્લિનિકલ ટ્રાયલ માટેના નિયમન માટે નવું બિલ તૈયાર કર્યું છે. દવાઓ અને મેડિકલ ડિવાઇસ બંનેના ક્લિનિકલ ટ્રાયલના દરમિયાન ઇજા કે મૃત્યુ માટે વળતર ચુકવવામાં નિષ્ફળતા બદલ જેલની સહિતની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત નિયમ ભંગના કિસ્સામાં પેનલ્ટી લાદવાની પણ જોગવાઈ

સરકારે ન્યૂ ડ્રગ્સ, મેડિકલ ડિવાઇસિસ એન્ડ કોસ્મેટિક્સ 2022નો મુસદો તૈયાર કર્યો છે, જે હાલમાં અમલી 1940ના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ ધારાનું સ્થાન લેશે. નવી દવાઓ અને મેડિકલ ડિવાઇસિસ માટેના ક્લિનિકલ ટ્રાયલ કરવાના નિયમોને પ્રથમ વખત આ બિલ હેઠળ લાવવામાં આવ્યા છે. હાલમાં આવા ટ્રાયલ ન્યૂ ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ રૂલ્સ 2019 હેઠળ આવે છે. હાલના કાયદા મુજબ મેડિકલ ડિવાઇસને દવા માનવામાં આવે છે અને તેની કોઇ વ્યાખ્યા નથી.

આ બિલમાં આયુષ ઔષધીઓ માટે અલગ ચેપ્ટર છે. તેમા હોમિયોપેથી અને સોવા રિગ્પા (તિબેટિયન ઉપચાર પદ્ધતિ)ના પ્રથમ વખત નિયમનની પણ દરખાસ્ત છે. બિલનો મુસદ્દો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે અને 8 જુલાઈથી 45 દિવસમાં જાહેર જનતા અને સંબંધિત પક્ષકારો પાસેથી સૂચનો, ટીપ્પણીઓ અને વાંધો મંગાવવામાં આવ્યા છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે બદલાતી જતી જરૂરિયાતો, સમય અને ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને નવું બિલ તૈયાર કરાયું છે. આ બિલમાં બાયોઇક્વિવેલન્સ સ્ટડી, બાયોઅવેઇલેબિલિટી સ્ટડી, ક્લિનિકલ ટ્રાયલ, ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન, કંટ્રોલિંગ ઓથોરિટી, મેન્યુફેક્ચર, મેડિકલ ડિવાઇસ, ન્યૂ ડ્રગ્સ, ઓવર-ધ-કાઉન્ટર (ઓટીસી) દવાઓ, એડલ્ટરેટેડ કોસ્મેટિક્સ વગેરેની નવી વ્યાખ્યા અને જોગવાઈ છે, જેનાથી વધુ સ્પષ્ટતા થશે. આ બિલમાં ટેકનિલ બાબતોમાં કેન્દ્રને સલાહ આપવા માટે મેડિકલ ડિવાઇસ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ અને ડ્રગ્સ, ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની રચના કરવાની પણ દરખાસ્ત છે.