(ANI Photo)

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ શુક્રવારે બોસ્ટન, કોલંબસ, ડલ્લાસ, ડેટ્રોઇટ, એડિસન, ઓર્લાન્ડો, રેલે અને સાન જોસમાં નવા ભારતીય કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર્સ (ICAC)નું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. લોસ એન્જલસમાં પણ ટૂંક સમયમાં એક વધારાનું ICAC ખુલશે.

આ સેન્ટરમાં પહેલી ઓગસ્ટ 2025થી પાસપોર્ટ, વિઝા, ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) અરજીઓ, પાવર ઓફ એટર્ની, જન્મ અને લગ્ન પ્રમાણપત્રો, એટેસ્ટેશન્સ,, વિદેશી નાગરિકો માટે પોલીસ ક્લિયરન્સ પ્રમાણપત્રો, નો આબ્લિગેશન ટુ રિટર્ન ટુ ઇન્ડિયા (NORI), લાઇફ સર્ટિફિકેટ સહિતની સેવાઓ મળશે. ડલ્લાસ ICAC સોમવારથી શનિવાર સુધી ખુલ્લું રહેશે.

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય ક્વાત્રાએ 8360 લિન્ડન બી જોહ્ન્સન ફ્રીવે, સ્યુટ A-230 ખાતેના ડલ્લાસ ખાતેના સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ સમારંભમાં કોન્સ્યુલ જનરલ ડી સી મંજુનાથ ચૂંટાયેલા અધિકારીઓ અને ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો જોડાયા હતાં.

આ પ્રસંગે રાજદૂત ક્વાત્રા જણાવ્યું હતું કે આ નવા કોન્સ્યુલર એપ્લિકેશન સેન્ટર્સનું લોન્ચિંગ ભારતીય ડાયસ્પોરાને તેમના ઘરની નજીક વધુ અસરકારક રીતે સેવા આપવાના અમારા મિશનનો એક ભાગ છે. અમે ભારત અને તેના વૈશ્વિક સમુદાય વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

કોન્સ્યુલ જનરલ ડી સી મંજુનાથે જણાવ્યું હતું કે ડલ્લાસમાં વિશાળ અને ગતિશીલ ભારતીય સમુદાય રહે છે. આ ICAC ખોલવાનો અર્થ એ છે કે રહેવાસીઓ હવે હ્યુસ્ટનની મુસાફરી કર્યા વિના ઝડપથી મહત્વપૂર્ણ કોન્સ્યુલર સેવાઓનો ઉપયોગ કરી શકશે. તે ખરેખર કોન્સ્યુલેટને તમારા ઘરઆંગણે લાવી રહ્યું છે.સ્થાનિક અધિકારીઓએ પણ આ પગલાનું સ્વાગત કર્યું હતું.

ડલ્લાસ ઇન્ડિયન એસોસિએશનના પ્રમુખ રાજેશ મહેતાએ જણાવ્યું હતું કે ICAC ડલ્લાસ-વિસ્તારના રહેવાસીઓ માટે ગેમ ચેન્જર સાબિત થશે છે. તે ભારતના ડાયસ્પોરા પ્રત્યેના સમર્પણને દર્શાવે છે અને લોકોના જીવનમાં વાસ્તવિક ફરક લાવે છે.

LEAVE A REPLY